Western Times News

Gujarati News

અમરેલીમાં RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સ લેવું અતિ મુશ્કેલ

અમરેલી, અમરેલી જિલ્લાના કોઈ નાગરિકને બાઈક કે કાર ચલાવવાનું લાયસન્સ લેવું હોય તો ચક્રવ્યુહના અનેક ચોગઠા પસાર કરવા પડે અને ખિસ્સામાંથી ખર્ચ કરવાની સાથે ધક્કા ખાવા પડે છતાં કોઈ ગેરંટી જોવા મળતી નથી.

અમરેલીમાં કોઈ નાગરિકને બાઈક ચલાવવાનું લાયસન્સ લેવું હોય તો કોઈ એજન્ટનો કે ડાયરેકટ રૂપિયા ૮૦૦થી લઈને ૧૪૦૦ સુધીનો ખર્ચ કરવો પડે. બાદમાં કોમ્પ્યુટર પરીક્ષા આપવી પડે. બદલામાં ૩થી ૬ મહિનાનું લર્નિગ લાયસન્સ મળે અને બાદમાં પાકુ લાયસન્સ લેવા માટે આરટીઓ કચેરીમાં આવેલ ટ્રેક ઉપર બાઈક ચલાવવી પડે.

જો કોઈ નાગરિક બાઈક ચલાવતી વખતે ગભરાઈને કે કોઈ કારણસર ભૂલ કરે એટલે તેમને એક અઠવાડિયા બાદ જ પુનઃપ્રયત્ન કરવાની તક મળે ત્યાં સુધી રાહ જોવી પડી અને સાથે રૂપિયા ૩૦૦નો પુનઃ ખર્ચ કરવો પડી રહ્યો હોય તેઓને તુરંત જ ફરી વખત ટ્રાયલ દેવાની વ્યવસ્થા નિઃશુલ્ક આપવાની જરૂર છે.

કાર ચલાવવાનું લાયસન્સ મેળવવું એ તો અતિ મુશ્કેલ છે. કારણ કે આરટીઓના ટ્રેકની કોઈને તાલીમ હોતી નથી અને સામાન્ય ભૂલ થઈ નથી કે પુનઃ રકમ ખર્ચવી જ પડે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. જો કે, અમુક એજન્ટ કે મળતિયા વ્યક્તિને ખાનગીમાં મળે તો અમુક નાણાંનું નિવેદન ધરીને લાયસન્સ સરળતાથી મળી જતું હોવાની પણ ફરિયાદ ઊભી થઈ છે.

સરકારે લાયસન્સ માટે પહેલી ટ્રાયલ અને બીજી ટ્રાયલ વચ્ચે એક અઠવાડિયાનો જે નિયત સમય કરેલ છે તે રદ કરીને એકાદ કલાક બાદ બીજીવાર ટ્રાયલ અને તે પણ નિઃશુલ્કની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ વ્યક્તિ બહારગામથી આવેલ હોય તો તેને ધક્કાથી બચાવી શકાય.

ઉપરાંત આરટીઓના ટ્રાયલ ટ્રેક ઉપર આમ નાગરિક બાઈક કે કાર ચલાવી તાલીમ મેળવી શકે તે માટે રજાના દિવસોમાં સવારે-સાંજે મફતમાં વ્યવસ્થા કરાવવી જોઈએ. તેવી માંગ લાયસન્સ ઈચ્છુકો કરી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.