માણાવદરથી વંથલી હાઈવેના ભ્રષ્ટાચારની પોલ ખુલતા થીંગડા મારવાનું અંતે શરૂ થયું

પ્રતિકાત્મક
માણાવદર, માણાવદરથી વંથલી હાઈવે તાલુકાના પપ ગામ અને ઘેડ વિસ્તાર, પોરબંદર જિલ્લાથી ૩ જિલ્લાને જોડે છે જેથી અનેક લોકોને આ રોડ ઉપરથી પસાર થવું પડે છે. આ રોડ એકદમ બદતર હાલતમાં ફેરવાઈ ગયો હોવાથી અનેક વર્ષોથી ફરિયાદો કરી પણ કોઈપણ પ્રકારની કામગીરી થઈ નહીં.
અખબારી અહેવાલો બાદ તંત્ર જાગી ગયું તેનું આશ્ચર્ય થાય છે. જોવાની ખૂબી એ છે કે, અત્યાર સુધી સંબંધિત તંત્ર શું કરતું હતું ? તેવો સવાલ ઉઠી રહ્યા છે.
અખબારી અહેવાલો બાદ તંત્ર દ્વારા ખાડા પૂરવાનું ચાલુ તો કરાયું પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ જોવા મળે છે. માત્ર મોરમ નાંખીને પ્રેશરથી રોરલ મશીનથી કામ ચલાવાય છે.
છેલ્લા અનેક વર્ષોથી થીગડા ઉપર થીગડા મારી આમ જનતા અને સરકાર સાથે રમત રમાઈ રહી છે. ૧૦ વર્ષમાં કેટલા થીગડા માર્યા તેની તપાસ હાથ ધરાઈ તો ચોંકાવનારા ખુલાસા થશે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે અને સરકારને ખુદના અધિકારીઓએ કેવા પ્રકારની કામગીરી કરી છે તે સામે આવશે.
સાથે બેજવાબદાર અધિકારીની પોલ ખોલી શકાય તેમ છે પણ સાચી દિશામાં તપાસ હાથ ધરાય તો આજે વંથલી હાઈવેમાં તો ડમ્પરમાંથી માલ ઉઠાવે છે. જોવું રહ્યું કેટલા કલાકો જનતા અને વાહન ચાલકોને રાહત મળે છે. જનતા ટોલટેકસ, વાહન ટેકસ, લાયસન્સ ફી જેવા અનેક ટેકસ ભરે પણ તેની સામે વર્ષો સુધી રસ્તાની સુવિધા ન મળે તે સરકારની નિષ્ફળતા છે.
ઉપરથી અકસ્માતો સર્જાય, માનવી જિંદગી જોખમાય, કોઈના પરિવાર વિખાય તે અલગ, આવું માત્ર તંત્રના કારણે થતું હોવાની ચર્ચા થઈ રહી છે. તાકીદે આ રોડ ફોરટ્રોક બનાવવા માંગ ઉઠી છે.