ઉત્તર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક છબરડો

ગિલોસણ બાદ માલોસણમાં બિનહરીફ સભ્યને ત્રણ બાળક હોવાનું બહાર આવ્યું
વિજાપુર, વિજાપુર તાલુકાના માલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં બિનહરીફ થયેલા મહિલા સદસ્યને ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું છે મહેસાણાના ગિલોસણ બાદ માલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તંત્ર દ્વારા થયેલો વધુ એક છબરડો બહાર આવતા અન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન તંત્રએ કરેલી કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિજાપુર તાલુકાના માલોસણ ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં અનુસૂચિત આદિજાતિની મહિલા બેઠક હોવાથી કોકીલાબેન લાલાજી ઠાકોર નામની મહિલાને ચૂંટણી તંત્ર દ્વારા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ ગામના અરજદાર દ્વારા બિનહરીફ ચૂંટાયેલા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યને ત્રણ બાળકો હોવાની તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરાઈ હતી જેને પગલે ટીડીઓએ તપાસ સોંપતા કોકીલાબેનને વાસ્તવમાં ત્રણ બાળકો હોવાનું બહાર આવ્યું હતું. વિજાપુરના ટીડીઓ ગોવિંદભાઈ ચૌધરીએ આ મામલે જણાવ્યું હતું કે પંચાયત ધારાની જોગવાઈઓ હેઠળ હવે એ બેઠક ખાલી જાહેર કરવાની થાય.