સાબરકાંઠામાં સપ્તેશ્વર અને વિજયનગરના કણાદર પાસે સેલ્ફી લેવા જતાં બે જણા ડૂબ્યા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદ વરસતા નદીઓ અને ધોધ છલકાયા છે. ત્યારે સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતાં એક યુવાન તણાયો હતો. તો બીજી તરફ વિજયનગર તાલુકાના કણાદર નજીક ધરતીમાતાના મંદિરે દર્શન કરી બાજુમાં નીકળતા ધોધ જોઇને એક યુવાન પણ ધોધની સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાને કારણે ધોધમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતુ.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં રહેતા ગીરીશભાઇ અરજણભાઇ પરમાર રવિવારે સવારે પરિવાર સાથે અસ્થિ વિર્સજન માટે સપ્તેશ્વર આવ્યા હતા. ત્યારે નદીમાં અસ્થિ વિસર્જન કર્યા બાદ ભણિયો કલ્પેશભાઇ, ભત્રીજો નિલેશભાઇ દેવજીભાઇ પરમાર પાણી જોવા ગયા હતા.
તે સમયે સેલ્ફી લેતી વખતે નિલેશભાઇ દેવજીભાઇ પરમારનો પગ અચાનક લપસી જતાં પાણીમાં તણાવા લાગ્યો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને ઇડર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
આખરે સોમવારે મૃતક નિલેશભાઇ દેવજીભાઇ પરમારની લાશ મળતાં તેને પાણીમાંથી બહાર કાઢી દાવડ પીએચસીમાં પીએમ કરાવાયું હતું. આ અંગે ગીરીશભાઇ પરમારે જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ ભિલોડા તાલુકાના ઓડ ગામનો એક યુવાન રવિવારે વિજયનગરના કણાદર ગામ નજીક આવેલા ધરતીમાતાના મંદિરે કેટલાક યુવાનો સાથે દર્શન કરવા આવ્યો હતો. જ્યાં મંદિર પાછળ પાણીનો પડતો ધોધ જોવા ગયા હતા.
કુદરતી સૌંદર્ય જોઇને મોબાઇલ મારફતે અલ્પેશ મેણાત સેલ્ફી લઇ રહ્યો હતો. તે સમયે અચાનક પથ્થર પરની લીલ પરથી પગ લપસી જતાં તે પાણીમાં પડી ગયો હતો. શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો અને આખરે સેલ્ફીની લ્હાયમાં જીવ ગુમાવી દીધો હતો.SS1MS