ભારતીય દેશી ગાયની નસલ સુધારણાથી ક્રાંતિ થશે, સેક્સ સૉર્ટેડ સીમન દેશમાં ક્રાંતિનું કારણ બનશે : રાજ્યપાલ

પશુપાલન વિભાગ પોતાના કામને ‘મિશન’ માને અને નૂતન અભિગમ સાથે નવા ઉમંગથી કામ કરે તો ગુજરાત આ દેશને નવી પ્રેરણા આપી શકશે
ગુજરાત સરકાર રૂપિયા 700ના મૂલ્યના સેક્સ સૉર્ટેડ સીમનનો ડોઝ માત્ર રૂપિયા 50માં પશુપાલકોને ઉપલબ્ધ કરાવે છે
રાજભવન ખાતે રાજ્યના પશુપાલન વિભાગના પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકોની ગૌ-સંવર્ધન શિબિર યોજાઈ
રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાની દેશી ગાયોની ઓલાદ વધશે તો પ્રાકૃતિક ખેતીનો ફેલાવો પણ ઝડપથી થશે : મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતના પશુ ચિકિત્સા અધિકારીઓ, પશુધન નિરીક્ષકો અને પશુપાલન વિભાગના અધિકારીઓ પોતાના કામને માત્ર નોકરી કે ફરજ નહીં, પરંતુ ‘મિશન’ માને અને નૂતન અભિગમ સાથે નવા ઉમંગથી કામ કરે તો ગુજરાત ગૌસંવર્ધનમાં ક્રાંતિ કરી શકશે. આ દેશને નવી પ્રેરણા આપી શકશે. તેમણે કહ્યું કે, ભારતીય દેશી ગાયની નસલ સુધારણાથી ક્રાંતિ થશે. સેક્સ સૉર્ટેડ સીમન દેશમાં ક્રાંતિનું કારણ બનશે. ગુજરાત સરકાર રૂપિયા 700 ના મૂલ્યના સેક્સ સૉર્ટેડ સીમનનો ડોઝ માત્ર રૂપિયા 50માં પશુપાલકોને ઉપલબ્ધ કરાવે છે, જે અત્યંત પ્રશંસનીય છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યના પશુપાલન વિભાગના પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકોની ગૌસંવર્ધન પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ પશુપાલન વિભાગના સમગ્ર રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હોય એવી રાજ્યના ઇતિહાસની આ સૌ પ્રથમ ઘટના છે. રાજભવનમાં યોજાયેલી આ શિબિરમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહીસાગર જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓએ રૂબરૂ ભાગ લીધો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાના 1800થી વધુ પશુપાલન અધિકારીઓ અને કર્મચારીઓ વર્ચ્યુઅલી ઑનલાઇન જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી માનવ આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે એકમાત્ર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જ તમામ સમસ્યાઓનું સમાધાન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક કૃષિને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવી છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દેશી ગાય વિના સંભવ જ નથી. જો દેશી ગાય ખેડૂતોના ખૂટે બંધાશે તો જ પ્રાકૃતિક ખેતી સફળ થશે અને દેશી ગાય ઉત્પાદક બનશે, લાભદાયી થશે તો જ પશુપાલકો ગોપાલન કરશે. દેશી ગાયની ઉત્પાદકતા વધારવા તેની નસલ સુધારવી અનિવાર્ય છે. આ માટે પશુપાલન વિભાગ ‘મિશન ભાવ’થી કામ કરે એ જરૂરી છે. પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રમાણિક પુરુષાર્થ પશુપાલકને દસ વર્ષ આગળ લઈ જશે અન્યથા પશુપાલક 10 વર્ષ પાછળ રહી જશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં શ્રેષ્ઠ પશુપાલક પણ છે. તેમના વતન કુરુક્ષેત્ર-હરિયાણામાં તેમની ગૌશાળામાં 400 જેટલી ગાયો છે. તેઓ જાતે વર્ષોથી દેશી ગાયની બ્રિડને ઉન્નત કરવાના પ્રયોગો કરી રહ્યા છે, જેમાં તેમને સફળતા પણ મળી છે. નસલ સુધારણાના કામમાં નિપુણ એવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકોને ગૌસંવર્ધનનું પ્રશિક્ષણ આપતાં કહ્યું કે,
સેક્સ સૉર્ટેડ સીમનથી કૃત્રિમ ગર્ભાધાનની સફળતાનો દર વધારવા અંદરોઅંદર તંદુરસ્ત સ્પર્ધા થવી જોઈએ. મહેસાણા જિલ્લામાં આ દર 50% છે તેની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં આ દર 60 કે 70 ટકાથી વધવો જોઈએ. ટેકનોલોજીનું આ કામ પૂર્ણ પ્રતિબદ્ધતા અને પેશનથી થશે તો જ પરિણામ મળશે. તેમણે આ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિનું પદ્ધતિસરનું માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનાર પશુપાલન વિભાગના અધિકારી-કર્મચારીનું રાજભવનમાં જાહેર સન્માન કરાશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાયને થતા રોગોના નિયંત્રણ માટે હોમિયોપેથી અને આયુર્વેદિક ઔષધીઓનો વિશેષ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે પશુઓને અપાતા ખોરાકમાં પણ પોષક તત્વોની વિશેષ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. દેશી ગાયની નસલ સુધારવા માટે દૂધ ઉત્પાદક સંઘો અને ગુજરાતની ડેરીઓમાં થતા કામની તેમણે પ્રશંસા કરી હતી.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, સેક્સ સૉર્ટેડ સીમન અને એમ્બ્રિયો પ્રણાલીના પ્રમાણિક પ્રયત્નોના પરિણામથી આગામી ચાર વર્ષમાં દેશી ગાયો રસ્તા પર નહીં જોવા મળે. એક સારી નસલની વાછરડીમાં એક પરિવારનું પાલન કરવાની ક્ષમતા છે. જો આમ થશે તો સારી નસલની ગાયોની સંખ્યા બમણી થશે. આ દિશામાં અમૂલ યોગદાન આપવા તેમણે પશુપાલન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.
આ શિબિરમાં કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ થકી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકમાં સહભાગી થવા ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હંમેશા કહેતા કે, ભારતનો આત્મા ગામડામાં વસે છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે. હાલ, પશુપાલન દેશના જી.ડી.પી.માં 5.5% સાથે રૂપિયા 13.55 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે. દેશના કુલ દૂધ ઉત્પાદનનું મૂલ્ય રૂપિયા 11.16 લાખ કરોડથી વધુ છે, જે ઘઉં અને ચોખાના મૂલ્ય કરતાં પણ વધારે છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો હિસ્સો 7.5% છે, જેને વર્ષ 2047 સુધીમાં વધારીને 10% કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા પશુઓની ઓલાદ સુધારવા માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાની દેશી ગાયોની ઓલાદ વધશે તો પ્રાકૃતિક ખેતીનો ફેલાવો પણ ઝડપથી વધશે. મંત્રીશ્રીએ રાજ્યમાં ગૌ-સંવર્ધનના ભગીરથ કાર્યમાં જોડાવીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા પશુપાલન વિભાગના સૌ અધિકારી-કર્મચારીઓને અપીલ કરી હતી.
પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે રાજ્યમાં પશુપાલનની પ્રગતિ અને સિદ્ધિઓની છણાવટ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં પશુપાલન નિયામક ડૉ. શ્રીમતી ફાલ્ગુનીબેન ઠાકરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.