શિક્ષણની વરવી વાસ્તવિકતા, ઓટલા પર બેસીને ભણવા મજબૂર વિદ્યાર્થીઓ બન્યા

હાલ નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ, પણ છેલ્લાં ૬ મહિનાથી બાંધકામ અટવાયું છે.
(એજન્સી)ભરૂચ, ભરુચમાં શિક્ષણ વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની વચ્ચે આટખોલ ગામના ૪૫ વિદ્યાર્થીઓ લોકોના ઘરના ઓટલાઓ પર બેસી ભણવા મજબૂર બન્યા છે. નિંભર તંત્રના કારણે ખુબ જ પરેશાનીનો સામનો ભારતીય ભુલકાઓને વેઠવાનો વારો આવ્યો છે.
જેને આપણે દેશનું ભવિષ્ય ગણીએ છીએ તે ભુલકાઓ અધિકારીઓનાં અને સરકારનાં પાપે ભર ચોમાસે ખુલ્લામાં બેસવા મજબુર બન્યા છે. ભણવા માટે ભુલકાઓને ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઇ છે.
ભરૂચ જિલ્લામાં પ્રવેશોત્સવની ઘંટીઓ વાગી રહી છે ત્યારે નેત્રંગ તાલુકાના આટખોલ ગામમાં ભણવા ઉત્સાહી ૪૫ વિદ્યાર્થીઓ પોતાની જ શાળાના અભાવે ઝાડ નીચે મંદિરની ઓટલા પર કે પછી દાતાના ઘરના શેડ નીચે ભણતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ ‘શિક્ષણનો હક’ માત્ર નારામાં પૂરતો રહી ગયો છે તેવું સ્પષ્ટ કરે છે. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ફરજીયાત ખુલ્લામાં બેસવા મજબુર બન્યા છે.
આટખોલ ગામમાં આવેલી શાળા વર્ષ ૧૯૫૫માં બની હતી. સમયના વહીવટે શાળા જર્જરિત બની જતા ગ્રામજનો અને સરપંચે વારંવાર રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ?૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી. ટેન્ડર પ્રક્રિયા બાદ કામ શરૂ કરાયું પણ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા સ્થાનિકો અને સરપંચે તરત કામ બંધ કરાવ્યું.
હાલ નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઈ, પણ છેલ્લાં ૬ મહિના થી બાંધકામ અટવાયું છે. પરિણામે વિદ્યાર્થીઓ ભણવા માટે ધૂળ, તડકો કે વરસાદમાં ખુલ્લામાં કે આશ્રય તરીકે કોઈના ઘરના ઓટલા ઉપયોગ કરે છે.વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ જોતા ગામના એક દાતાશ્રીએ પોતાનાં ઘરના શેડ નીચે બાળકોને ભણવા માટે જગ્યા આપી છે.
તેમ છતાં આ વ્યવસ્થા તાત્કાલિક છે અને શાળાની જગ્યાની કોઈ છાયા નથી. બાળકો ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યાં છે, જ્યારે તંત્રએ આંખ મૂકી છે.શાળાના વાલીઓ અને ગામના સરપંચે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરી રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કેઃ “ભણતર દેશનું ભવિષ્ય છે એમ કહેવામાં આવે છે, તો પછી આ બાળકોને ભણવા યોગ્ય માહોલ કેમ નથી મળી રહ્યો? જો તાત્કાલિક શાળાનું નિર્માણ નહીં થાય તો બાળકો ભણતરથી વંચિત રહી જશે.”