આંગણવાડીની બહેનોએ કહ્યુ BLOની કામગીરી નહી કરીએ ! જાણો આ છે કારણ?

આમોદમાં ઈન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી
(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને BLOની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી. જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી આમોદ ઈન્ચાર્જ મામલતદારને આવેદપત્ર આપી BLOની કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો.
આંગણવાડી કાર્યકરોને બુથ લેવલ ઓફિસરની નિમણૂંક અંગેનો પત્ર મળતાં જ બહેનોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી.જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત છ વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય સુધારવાની કામગીરી કરે છે.
જેથી તમામ કામગીરી કરવામાં કાર્યકર તેમજ તેડાગારનો સમય પૂરો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવાના હોય છે.ત્યારે બુથ લેવલ ઓફિસરની (BLO) કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઈન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી BLO ની કામગીરી નહીં થઈ શકેનો હુંકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, BLO એટલે બૂથ લેવલ ઓફિસર. BLO એ સ્થાનિક અધિકારીઓ છે, ઘણીવાર સરકારી અથવા અર્ધ-સરકારી કર્મચારીઓ, જે મતદાર યાદી જાળવવા અને અપડેટ કરવામાં મદદ કરે છે, ખાસ કરીને મતદાન મથક સ્તરે. તેઓ ચૂંટણી પંચ અને પાયાના સ્તરે મતદારો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે, જે સચોટ અને અપડેટેડ ચૂંટણી માહિતી સુનિશ્ચિત કરે છે.