ગાઝામાં હમાસે કરેલા વિસ્ફોટમાં ઇઝરાયેલના ૫ સૈનિકો માર્યા ગયા

તેલ અવિવ, ગાઝા પટ્ટીમાં યુદ્ધ વધુ ભીષણ થવાના એંધાણ છે. ગાઝાના આતંકીઓએ કરેલાં હુમલામાં ઇઝરાયેલના પાંચ સૈનિકોના મોત નીપજ્યા છે. જેને કારણે અકળાયેલી ઇઝરાયેલી સેનાએ વળતો હુમલો કરીને ૫૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જાણવાની વાત એ છે કે હાલમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વોશિંગ્ટન પહોંચ્યા છે. જ્યાં તેઓ અમેરિકી પ્રમુખ સાથે યુદ્ધ વિરામ જેવા શાંતિના મુદાઓ પર ચર્ચા કરવાના છે. પરંતુ હવે આ ઘટનાએ બળતાંમાં ઘી હોમ્યું છે. હમાસના હુમલામાં પાંચ સૈનિકોનો મોત થતાં હવે સ્થિતિ વણસી શકે છે. સૈનિકોના વાહનમાં બોમ્બ ગોઠવી દેતાં તેમાં વિસ્ફોટ થયો હતો.
ઇઝરાયેલના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝાના બેઇત હેનોન વિસ્તારમાં ઓપરેશન દરમિયાન પાંચ સૈનિકોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાયા હતા. ઘવાયેલા સૈનિકોને લઇ જતી વખતે આતંકીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં ૧૪ સૈનિકોને ઇજા પહોંચી છે.
જેમાં અનેકની હાલત ગંભીર હોવાથી સ્થિતિ વણસી શકે છે. આની સાથે અત્યારસુધી હમાસના હુમલામાં ઇઝરાયેલના કુલ ૮૮૮ સૈનિકો ઠાર મરાયા છે. હમાસના પ્રવક્તા અબુ ઓબેદાએ ઇઝરાયેલની સેનાને નબળી ગણાવી કહ્યું હતું કે આ હુમલો એક વધારાનો ફટકો છે.
જોકે ઇઝરાયેલના વળતાં હુમલામાં આશ્રયસ્થાનોમાં રહેલા લોકો પણ નિશાન બનાવાયા હતા. જેમાં કુલ ૫૧ લોકોનાં મોત નીપજ્યા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ ઘટનાને કારણે ગાઝામાં આરોગ્યસંભાળની વ્યવસ્થા પડી ભાંગી છે. જેને કારણે હજારો નાગરિકોની મુશ્કેલી વધી શકે છે.SS1MS