Western Times News

Gujarati News

મરાઠી ‘અસ્મિતા’ બચાવવાના નામે મુંબઈમાં મનસેની રેલી

થાણે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વકરતા વિવાદ વચ્ચે મરાઠી ‘અસ્મિતા’ના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને કેટલાંક મરાઠી સંગઠનોએ મુંબઈ નજીકના મીરા ભાયંદરમાં વિશાળ વિરોધ રેલી કાઢી હતી. રેલીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીના નેતાઓ પણ જોડાયાં હતાં. દેખાવકારોએ શિવસેનાના મંત્રી પ્રતાપ સરનાઈકને ધક્કે ચડાવીને ભગાડી મૂક્યાં હતાં.

પોલીસે ઘણા દેખાવકારોની અટકાયત કરી હતી ત્યારે તંગદિલી ઊભી થઈ હતી. ૧ જુલાઈ મરાઠી ન બોલવા બદલ મનસે કાર્યકરોએ ફૂડ સ્ટોલના માલિક સાથે મારપીટ કર્યા પછી વેપારીઓએ તાજેતરમાં દેખાવો કર્યા હતાં. તેનાથી મરાઠી એકીકરણ સમિતિના નેજા હેઠળ એમએનએસ અને અન્ય મરાઠી સમર્થક સંગઠનોએ આ રેલીનું આયોજન કર્યું હતું.

રેલી પહેલા થાણે જિલ્લાના મીરા ભાયંદરમાં સુરક્ષા વધારાઈ હતી. પોલીસે શરૂઆતમાં રેલીને મંજૂરી આપી ન હતી. જોકે પછીથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રેલી માટે પરવાનગી અપાઈ હતી, પરંતુ મનસે ચોક્કસ રૂટનો આગ્રહ રાખ્યો હતો. સોમવારે મોડી રાત્રે રેલી માટે પરવાનગી માંગવામાં આવી હતી, જે પણ મંજૂર કરાઈ હતી.

જોકે સરકારની ટીકા કરતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે સરકાર આપણો અવાજ દબાવવાની રણનીતિના ભાગરૂપે રૂટ બદલાવનું દબાણ કરી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે જણાવ્યું હતું કે રેલીઓની પરવાનગીમાં મરાઠી અને બિન-મરાઠી સમુદાયો વચ્ચે કોઈ ભેદભાવ નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા સાથે સમાધાન કરી શકાય નહીં. રસ્તાઓ પર નાટકીય દ્રશ્યો અને રાજકીય હસ્તક્ષેપ પછી રેલી તેના આયોજકોએ નક્કી કરેલા મૂળ રૂટ પરથી પસાર થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.