Western Times News

Gujarati News

સ્પીડમાં વાહન હાંકવાને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું કૃત્ય ગણી શકાય નહીં

અમદાવાદ, એક ઓટો-રિક્ષા ચાલકને નિર્દાેષ જાહેર કરવા સામે રાજ્યની અપીલ ફગાવી કાઢતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે ‘ફક્ત વધુ ઝડપે વાહન ચલાવવાને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું કૃત્ય ગણી શકાય નહીં.’

આ રિક્ષાચાલકે એક ટ્રેક્ટર-ટ્રોલી સાથે રિક્ષા અથડાઇ હોવાથી તેના પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના પરિણામે બે લોકોના મોત થયા હતા. હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો.

હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે ફરિયાદ પક્ષ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો. અકસ્માત હકીકતમાં રાત્રે રસ્તા પર એક બેફામ પાર્ક કરેલા વાહનોના કારણે થયો હતો.

હાઇકોર્ટની બેન્ચે અવલોકન કર્યું હતું કે,‘કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત મુજબ વધુ ઝડપે વાહન ચલાવવાને બેદરકારીથી વાહન ચલાવવાનું કૃત્ય ગણી શકાય નહીં. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪(એ)હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે જવાબદાર વ્યક્તિને બેદરકારીથી વાહન ચલાવવા બદલ જવાબદાર ઠેરવવા માટે, તેણે બેદરકારીથી વાહન ચલાવ્યું છે તે હકીકત કાનૂની પુરાવા સાથે હંમેશા સ્થાપિત કરવી જોઈએ.’

આ કેસની હકીકત પ્રમાણે પ્રતિવાદી રિક્ષાચાલક રાત્રે કામ પરથી સાત મજૂરોને ઘરે લઈ જતી ઓટો રિક્ષા ચલાવી રહ્યો હતો. સાંકડા હાઇવે પર મુસાફરી કરતી વખતે, રિક્ષા રસ્તા પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ ગઈ હતી. જેમાં કોઈ લાઇટ, સિગ્નલ કે રિફ્લેક્ટર નહોતા.

પરિણામે રિક્ષા પલટી ગઈ હતી. જેના કારણે મુસાફરો ઘાયલ થયા. તેમાંથી બેનું મોત નીપજ્યું હતું. ઘાયલ મુસાફરોમાંથી એકના નિવેદનના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

પ્રતિવાદી પર આઈપીસીની કલમ ૨૭૯, ૩૦૪, ૩૦૪એ અને ૩૩૭ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે ટ્રાયલ પછી પ્રતિવાદી રિક્ષાચાલકને નિર્દાેષ જાહેર કર્યાે હતો, અને કહ્યું કે આ અકસ્માત ટ્રેક્ટર-ટ્રોલીના બેદરકારીપૂર્વક પાર્કિંગને કારણે થયો હતો.

જે આદેશથી નારાજ થઈને રાજ્ય સરકારે રિક્ષાચાલકને નિર્દાેષ જાહેર કરવા સામે સીઆરપીસીની કલમ ૩૭૮ હેઠળ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

જેમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે અપીલકર્તા એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા હતા કે પ્રતિવાદીએ વાહન ઉતાવળમાં અથવા બેદરકારીથી ચલાવ્યું હતું, અને મુખ્ય પ્રત્યક્ષદર્શીઓ, જેમાં રિક્ષાના ચાર મુસાફરોનો સમાવેશ થાય છે, તેમણે એવું કહ્યું નહોતું કે ડ્રાઇવરે બેદરકારી દાખવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.