વીજ કરંટથી મજૂરોના મોત માટે કંપનીના માલિકો, મેનેજર, કોન્ટ્રાક્ટર સામે ગુનો

અમદાવાદ, અસલાલીના મિરોલી ગામમાં આવેલી વિનસ ડેનિમ કંપનીમાં પાંચ દિવસ પહેલા કલરકામ કરતા બે કારીગરનાં મોત નિપજ્યાં હતા. અસલાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જેમાં સામે આવ્યું કે, અહીંથી પસાર થતી એગ્રીકલ્ચરની ત્રણ તારની હેવી ઈલેક્ટ્રિક લાઈન ચાલુ હોવાથી તેના તારને લોખંડની સીડી અડી જતા વીજ કરંટ લાગવાથી બંનેનાં મોત નિપજ્યાં હતા.
કંપનીના માલિકો, કોન્ટ્રાક્ટર અને મેનેજરે સેફ્ટી સાધનો ન રાખીને બેદરકારી દાખવતા આ મામલે અસલાલી પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દસક્રોઈના મીરોલી ગામમાં વિનસ ડેનિમ કંપનીમાં ૨ જુલાઈએ પાછળના ભાગે સી અને ડી ડિપાર્ટમેન્ટ પાસેની ખુલ્લી જગ્યામાં બે કારીગર કલરકામ કરતા હતા.
મૂળ મધ્યપ્રદેશના ૫૬ વર્ષીય મંશારામસિંહ અને ૨૩ વર્ષીય જીતેન્દ્ર બગેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોખંડની સીડી ખસેડતા હતા ત્યારે કંપનીના કમ્પાઉન્ડમાંથી પસાર થતી એગ્રીકલ્ચરની ત્રણ તારની હેવી ઈલેક્ટ્રિક લાઈન ચાલુ હોવાથી તારને લોખંડની સીડી અડી જતા બંનેનાં મોત નિપજ્યા હતા.
આ મામલે અસલાલી પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળની વિઝિટ કરી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તેમાં કારીગરોને વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું હતું.
અસલાલી પોલીસે વિનસ ડેનિમ કંપનીના માલિક રાજેન્દ્રપ્રસાદ અગ્રવાલ(રહે. વ્રજગાર્ડન સોસા. શેલા), અજય અગ્રવાલ (રહે. સોમેશ્વરા બંગ્લોઝ, સેટેલાઈટ), વિશાલ અગ્રવાલ અને વિનય અગ્રવાલ (રહે. થલતેજ) અને મેનેજર રજનીકાંત પરમાર(રહે. શ્રીધર હેવન ફ્લેટ, વસ્ત્રાલ) તથા કોન્ટ્રાક્ટર અજબસિંહ ગુર્જર(રહે. મિરોલીગામ, દસક્રોઈ) સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS