આજે અમે ‘કુછ કુછ હોતા હૈ’ બનાવીએ તો લોકો અમારા પર હસશેઃ કાજોલ

મુંબઈ, શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ઘણી સફળ ફિલ્મ હતી, આજે પણ આ ફિલ્મ એક કલ્ટ ફિલ્મ ગણાય છે. આ ફિલ્મથી કરણ જોહરે ડિરેક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.
આજે પણ એવા ઘણા લોકો છે, જે આ ફિલ્મ વારંવાર જુએ છે, તો કેટલાંક લોકો એવાં પણ છે, જેઓ આ ફિલ્મની કેટલીક રૂઢિવાદી બાબતો પર આજે પણ તેની ટીકા પણ કરે છે.
તાજેતરમાં કાજોલ એક ચેનલના ઇન્ટરવ્યુમાં હાજર રહી હતી, જ્યાં તેણે ટીકા અને ખાસ કરીને તેના ‘કુછ કુછ હોતા હૈ’ના અંજલિ અને શાહરુખના રાહુલનાં પાત્રો અંગે પણ વાત કરી હતી.
જેમાં અંજલિ એક ટોમ બોય પ્રકારની છોકરી અને તેઓ બંને કોલેજ ળેન્ડ્ઝ છે, જ્યારે તે એક સોહામણી સ્ત્રીની જેમ સાડી પહેરીને જોવા મળે છે, ત્યારે શાહરુખ રાહુલ તેનાં પ્રેમમાં પડે છે.આ વાતના જવાબમાં કાજોલે કહ્યું કે, તેણે જ્યારે આ ફિલ્મ કરી ત્યારે તેણે આ બધી બાબતો પર ધ્યાન આપ્યું નહોતું. તેણે કહ્યું, “અમે એ ફિલ્મ માત્ર મનોરંજન માટે બનાવી હતી.
મને લાગે છે ફિલ્મ સમાજનું જ પ્રતિનિધિત્વ કરતી હોય છે, આવું જ કુછ કુછ હોતા હૈમાં હતું. એ સમયે લોકો એવું વિચારતા હતા. એ ફિલ્મ જો આજે બની હોત તો લોકો અમારા પર હસતાં હોત.”
આગળ કાજોલે એવું પણ કહ્યું, “જો આજે ફિલ્મ બને તો એ ટોમબોય લૂક કદાચ બીજા ભાગમાં હોત. આજે એવી ફિલ્મ બની શકે કે પહેલાં સાડીમાં હતી તો નહોતી ગમી, પછી જ્યારે તે બાસ્કેટ બોલ રમવા માંડી અને કૂલ બની ગઈ એટલે એને ગમી ગઈ.
આજે એ ફિલ્મ કરતાં ઊલટું થઈ શકે. એ સમય માટે એ ફિલ્મ યોગ્ય હતી, જો આજે એ ફિલ્મ બની હોત અને અમે લોકોને કહ્યું હોત, શું સાચું અને શું ખોટું, તો અમે કદાચ ખોટાં પડ્યાં હોત.”
આ ફિલ્મમાં કાજોલ, શાહરુખ અને રાનીની સાથે અનુપમ ખેર, અર્ચના પુરણસિંહ, સલમાન ખાન અને જોની લિવર સહીતના કલાકારો હતાં. તાજેતરમાં જ કાજોલની ‘મા’ રિલીઝ થઈ છે, તેના પ્રમોશનમાં કાજોલ વ્યસ્ત છે, તેના પછી ઓટીટી પર તેની ફિલ્મ ‘સરઝમીન’ રિલીઝ થવાની છે.SS1MS