શુભાંશુ શુક્લાને અંતરિક્ષમાં મગ-મેથી ઉગાડવામાં સફળતા મળી

અંતરિક્ષમાં ખેતી કેવી રીતે કરવી એ અંતરિક્ષયાત્રી માટે સૌથી મોટો વિષય છેઃ અંતરિક્ષમાં ભોજનની સૌથી વધુ તકલીફ પડે છે
વોશિંગ્ટન, ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને સ્પેસમાં મગ અને મેથી ઉગાડવામાં સફળતા મળી છે. ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિયમ-૪ મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયા છે. તેઓ ત્યાં ઘણાં એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યાં છે.
એમાંથી એક એક્સપેરિમેન્ટ ઝીરો ગ્રેવિટીમાં છોડ ઉગાડવાનો હતો. એ એક્સપેરિમેન્ટમાં હવે સફળતા મળી છે અને એને હવે ધરતી પર લાવી એના પર રિસર્ચ કરવામાં આવશે.
અંતરિક્ષમાં ખેતી કેવી રીતે કરવી એ અંતરિક્ષયાત્રી માટે સૌથી મોટો વિષય છે. અંતરિક્ષમાં ભોજનની સૌથી વધુ તકલીફ પડે છે. તેમણે પ્રોસેસ્ડ ફૂડ પર આધાર રાખવો પડે છે. ફ્રોઝન ફૂડ પર નિર્ભર રહેવું પડે છે.
જો અંતરિક્ષમાં નાના-મોટા બીજને ઉછેરી શકાતો હોય તો એ અંતરિક્ષયાત્રીને ઘણો ફાયદો થઈ શકે છે. તેઓ અંતરિક્ષમાં પણ તાજું ખાવાનું આરોગી શકે છે. આથી આ બીજને જમીન પર લાવ્યા બાદ એમાં શું બદલાવ આવ્યો એના પર રિસર્ચ કરવામાં આવશે. ઝીરો ગ્રેવિટીમાં ઉગાડેલી વસ્તુ ખાવા લાયક છે કે નહીં એ પણ ચેક કરવી જરૂરી છે.
છોડ ઉગાડ્યા બાદ શુભાંશુ શુક્લા માઈક્રોગ્રેવિટીમાં માઈક્રોએલ્ગીના ત્રણ જુદા જુદા સ્ટ્રેન્સનું પરીક્ષણ પણ કરશે. માઈક્રોએલ્ગીનો ઉપયોગ ફૂડ, ફ્યુઅલ અને આૅક્સિજન જનરેશનમાં થઈ શકે છે. અંતરિક્ષમાં કઈ ઇજા થઈ હોય તો એ જલદી સારું થઈ શકે એ માટે સ્ટેમ સેલના રિસર્ચનું પણ મિશન છે.
અંતરિક્ષમાં લાંબો સમય પસાર કરવાથી સ્નાયુ નબળા પડી જાય છે, ત્યારે અંતરિક્ષયાત્રીઓ સ્નાયુ નબળા પડતા અટકાવવા માટે પણ સંશોધન કરશે. આ સાથે જ અંતરિક્ષયાત્રી કેવી રીતે સ્પેસમાં ડિજિટલ ટાસ્ક પૂરા કરે છે એનું પણ તેમનું મિશન હતું. આ તમામ મિશન્સ ભારતના ગગનયાન મિશન માટે મદદ પૂરી પાડશે.’