છોટાઉદેપુરના NH56 હાઈવે પરનો બ્રિજ બિસ્માર હાલતમાં

ગંભીરા બ્રિજની જેમ આ બ્રિજ પણ બિસ્માર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી શકયતા છે
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નબર ૫૬ ઉપર આવેલા બ્રિજને સ્થાનિકોમાં ચિંતા પેઠી છે. ગંભીરા બ્રિજની જેમ આ બ્રિજ પણ બિસ્માર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી શકયતા છે. આવા અનેક બ્રિજો રાજ્યમાં છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. જૂના અને જર્જરીત આ બ્રિજોને ટકાવી રાખવા ફક્ત લીપા પોતીનું લિંપણ કરાય છે.
જિલ્લાનો નેશનલ હાઈવે ૫૬ જે જબુગામ પાસેથી પસાર થાય છે. મેરિયા નદી ઉપરના આ બ્રિજ પરથી પસાર થતા એમ લાગે ગમે ત્યારે ધડામ કરતા તૂટી શકે છે. બ્રિજ પર જ્યાં જુવો ત્યાં તિરાડો અને મસ મોટા ખાડા પડી ગયા હોવાના કારણે વાહન લઈ પસાર તેવું પણ મુશ્કેલ બન્યું છે.
બોડેલી નજીક આવેલ જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના ચણા ચાવવા બરાબર લાગી રહ્યું છે. આ બ્રિજના એક ભાગ ૧૯૯૧માં ધરાશાઈ થયો હતો.
આ દુર્ઘટનામાં એસ.ટી નિગમ મોડાસર ગામ પાસે ખોટકાયેલ બસનું રિપેરિંગ કરવા જઈ રહી હતી તે બસ રાત્રિ ના સમયે ખાબકી હતી. બસના ડ્રાઇવરનો આજ દિન સુધી પત્તો લાગ્યો નથી. આ બનાવ બાદ તૂટેલા એક ભાગનું નવીની કરણ કરવામાં આવ્યું અને બીજો ભાગ આજે પણ જેમનો તેમ છે. આ બ્રિજ હવે મોરબી ઝૂલતા પુલની જેમ જુલી પણ રહ્યો છે. છતાં આ બ્રિજનું સમારકામ કરી ટકાવી રાખવામાં આવ્યો છે.
વાહન ચાલકો આજે પણ આ જોખમી બ્રિજ પર થી પસાર થઈ રહ્યા છે. આ બ્રિજ પર થી પસાર થતા હજારો વાહનો મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જઈ રાહયા છે. વર્ષો થી વાહન ચાલકો બૂમરાણ મચાવે છે પણ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી. આવા તો અનેક બ્રિજો છે જે કયારે પણ લોકોના ભોગ લઈ શકે તેવી સ્થિતિ જોવાઈ રહી છે. પણ નેતાઓ કે અધિકારીઓ ને જાણે કાઈ પડી હોય તેમ લાગતું નથી. સવાલ એ ઊભા થાય છે કે ગંભીરા બ્રિજ કે મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના ઘટે તો આખરે જવાબદાર કોણ?