ચૂંટણી પંચને મતદાર યાદીમાં સુધારણાની સત્તા બંધારણે આપેલી છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહારમાં શરૂ કરેલા મતદાર સુધારણા યાદી અભિયાન પર રોક લગાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ થયેલી છે.
આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, ચૂંટણી પંચને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવા માટે બંધારણ હેઠળ સત્તા મળેલી છે. તેથી મતદાર સુધારણા યાદી અભિયાન પર રોક લગાવી શકાય નહીં, પરંતુ આ વર્ષના અંત સુધીમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે આધાર, મતદાર ઓળખપત્ર અને રાશન કાર્ડને માન્ય રાખવા જોઈએ.
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમલય બાગચીની બેન્ચ સમક્ષ ચૂંટણી પંચના એડવોકેટ રાકેશ દ્વિવેદીએ રજૂઆત કરી હતી કે, એસઆઈઆર માટે બંધારણે સત્તા આપેલી છે અને બિહારમાં ૭ કરોડથી વધુ મતદારોની યાદી બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવાની સત્તા ચૂંટણી પંચને છે.
સુપ્રીમ કોર્ટે આ દલીલને ગ્રાહ્ય રાખતાં ઠરાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મતદાનનો અધિકાર મહત્ત્વનો છે. બંધારણીય સત્તા મંડળ (ચૂંટણી પંચ)ને તેની કામગીરી કરતા અટકાવી શકાય નહીં.
જો કે તેમણે જે કામગીરી ન કરવી જોઈએ, તેને હાથ ધરવાની મંજૂરી પણ આપી શકાય નહીં.સુપ્રીમ કોર્ટની બેન્ચે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, આ કેસમાં ત્રણ અભિપ્રાય સંકળાયેલા છે.
પ્રથમ મુદ્દામાં આ કવાયત હાથ ધરવા માટે ચૂંટણી પંચને મળેલી સત્તાનો છે. બીજા ક્રમે આ કવાયત જે રીતે હાથ ધરવામાં આવી છે, તેની પદ્ધતિનો છે.
ત્રીજા ક્રમે આ અભિયાનના સમયગાળાનો મુદ્દો આવે છે. ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ્સ તૈયાર કરવા અને તેની સામે વાંધાની સુનાવણી હાથ ધરી આખરી નિર્ણય લેવાની પ્રક્રિયા માટે આ સમયગાળો ઓછો છે, કારણ કે નવેમ્બર, ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ૨૮ જુલાઈથી શરૂ થઈ રહેલા ચૂંટણી પંચના એસઆઈઆર અભિયાનને પડકારતી ૧૦ અરજીઓ થઈ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
ત્યારબાદ અરજદારો રીજોઈન્ડર ફાઈલ કરી શકે છે. કોર્ટે ચૂંટણી પંચના એ નિવેદનને રેકોર્ડ પર લીધુ હતું, જેમાં પંચે દાવો કર્યાે હતો કે, એસઆઈઆર અંતર્ગત મતદાર યાદીમાં સમાવેશ માટે નિયત થયેલા ૧૧ દસ્તાવેજોને વધારે પડતા ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે પંચની આ રજૂઆતને ગ્રાહ્ય રાખવાની સાથે ન્યાયના હિતમાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રાશન કાર્ડને માન્ય રાખવા બાબતે વિચારણા હાથ ધરવા સૂચન કર્યું હતું. ચૂંટણી પંચના એડવોકેટ્સ દ્વિવેદી, કે કે વેણુગોપાલ અને મનિન્દર સિંઘે સુપ્રીમ કોર્ટના આ હુકમ સામે વાંધો ઊઠાવતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ઉક્ત ત્રણ દસ્તાવેજોને ગ્રાહ્ય રાખવાની ફરજ પાડવામાં નથી આવતી, પરંતુ પંચે આ બાબતે વિચારણા કરવી જોઈએ.
પંચ પાસે કોઈ અરજી ફગાવી દેવા યોગ્ય કારણ હોય તો તેને ફગાવી દેવી જોઈએ, પરંતુ તેના માટે પંચે કારણ આપવું જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટે હાલના તબક્કે એસઆઈઆર સામે મનાઈ હુકમ આપવાની અરજદારોની માગણીને ગ્રાહ્ય રાખી ન હોતી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ચૂંટણી પંચની કવાયત બંધારણીય રીતે માન્ય છે, પરંતુ તેનો સમય અને અમલની પદ્ધતિ સામે ચિંતાઓ છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, નાગરિકત્વ નક્કી કરવાનું કાર્યક્ષેત્ર ગૃહ મંત્રાલયનું છે, ચૂંટણી પંચનું નહીં. વળી, ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે.SS1MS