ગુરુગ્રામની ઘટના પિતાએ ટેનિસ ખેલાડી પુત્રીને મોતને ઘાટ ઉતારી

ગુરુગ્રામ, દિલ્હી નજીક ગુરુગ્રામના પોશ એરિયા ગણાતા સુશાંત લોક વિસ્તારમાં પિતાએ જ આવેશમાં પૂર્વ ટેનિસ ખેલાડી પુત્રીની ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી હતી. મૂળ વઝિરાબાદના વતની એવા પિતા દીપક યાદવે (૪૯) તેની .૩૨ બોરની બંદૂકથી જ દીકરી રાધિકા (૨૫)ની હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો.
આ સમગ્ર ઘટનાની પોલીસે આપેલી વિગત મુજબ દીપક યાદવ તેની પત્ની, પુત્રી તથા પુત્ર સાથે ગુરુગ્રામમાં સુશાંત લોક-૨માં આવેલા સેક્ટર ૫૭માં રહે છે.
ગુરુવારે સવારે પિતા-પુત્રી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ પુત્રી રસોઈ બનાવી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા પિતાએ ઘરમાંથી બંદૂક કાઢીને ફાયરિંગ કર્યું હતું.
દીપક યાદવે પાંચ ગોળીઓ છોડી હતી જે પૈકી રાધિકાની પીઠમાં ત્રણ ગોળીઓ વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાધિકા રાજ્ય કક્ષાના સ્તરની પૂર્વ ટેનિસ ખેલાડી હતી અને તે શહેરમાં ટેનિસ એકેડમી ચલાવતી હતી.
પિતા દીપક યાદવને તેના નિકટના મિત્રો અવારનવાર પુત્રીની કમાણી ખાતો હોવાના ટોણા મારતા હોવાથી પિતાએ આવેશમાં પુત્રીની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું. રાધિકાના કાકાની ફરિયાદના આધારે સેક્ટર ૫૬ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.SS1MS