વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે આરોગ્ય મંત્રી

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં ઇજાગ્રસ્તોની આરોગ્ય પૃચ્છા કરી
સઘન અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા હોસ્પિટલ તંત્રને સૂચના આપી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને જોડતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે, અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
મંત્રીશ્રીએ એસ.એસ.જી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને ઇજાગ્રસ્તોને અપાતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે.