ગુજરાતમાં 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલ થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૧૭ જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ૧૪ જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૧૨-૧૩ જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
૧૪-૧૫ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત ૧૧થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ૧૬-૧૭ જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
આખા ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આગામી પાંચ દિવસ ગાજવીજ થવાની આગાહી પણ છે. નોંધનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આવતીકાલે ૧૨મી તારીખના રોજ નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧૩મી તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે છે. રવિવારે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ સાથે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ૧૪મી તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ૧૫મી તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.