અમદાવાદમાં મીનરલ વોટરના નામે પણ પ્રદુષિત પાણીની બોટલોના પણ વેચાણ થાય છે

પ્રતિકાત્મક
મ્યુનિ. હોસ્પિટલોમાં છેલ્લા ૧૦ વર્ષમાં પાણી-મચ્છર જન્ય રોગચાળાથી ૮૯૭ લોકોના મોત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ બે દાયકાથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ વકરી રહયો છે. શહેરમાં કોલેરા, કમળો, ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગમાં સતત વધારો થાય છે. જેની સામે અનેક લોકોના મરણ પણ થયા છે.
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં જ છેલ્લા ૧૦ વર્ષમાં આ રોગોના કારણે લગભગ ૯૦૦ લોકોના મરણ થયા છે. જયારે ખાનગી હોસ્પિટલોમાં થયેલ મરણની વિગતો જાહેર થાય તો મૃત્યુ આંક ઘણો મોટો થઈ શકે છે.
અમદાવાદ શહેરમાં બિન આરોગ્યપ્રદ આહાર બેરોકટોક વેચાણ થઈ રહયા છે આ ઉપરાંત મીનરલ વોટરના નામે પણ પ્રદુષિત પાણીની બોટલોના પણ વેચાણ થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે તેમાં પણ પ્રદુષણની માત્રા ખૂબ જ વધુ હોવાનું અનેક વખત સાબિત થયું છે જેના કારણે કોલેરા- કમળા અને ઝાડા-ઉલ્ટીના કેસ મોટી સંખ્યામાં નોંધાય છે. ર૦ર૪માં કોલેરાના જ ર૦પ કેસ નોંધાયા હતા
જે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ હતાં. જયારે ચાલુ વર્ષે પણ કોલેરાના કેસની સંખ્યા ૭૦ને પાર કરી ગઈ છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શારદાબેન, એલ.જી. વી.એસ., એસવીપી અને ચેપી રોગ હોસ્પિટલમાં દર વર્ષે પાણીજન્ય રોગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે દાખલ થાય છે જે પૈકી અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. એક આંકડા મુજબ ર૦૧પથી ર૦રપ દરમિયાન આ પાંચ હોસ્પિટલોમાં જ પાણીજન્ય રોગના ૧૦૭૩૦૦ કેસ નોંધાયા હતાં
જેની સામે ૪૬૬ લોકોના મરણ પણ થયા હતાં તેવી જ રીતે મેલેરિયા અને ડેન્ગ્યૂના ૩પ૮૧૬ દર્દી દાખલ થયા હતાં જે પૈકી ૪૩૧ દર્દીના મરણ થયા હતાં આમ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગના ૮૯૭ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. ર૦૧પથી ર૦રપ દરમિયાન શારદાબેન હોસ્પિટલ-૭૭, એસવીપી-રપ૧, ચેપીરોગ-૩, એલ.જી-૩૧૩ અને વી.એસ.માં રપ૩ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.
કોંગ્રેસ માઈનોરીટી સેલના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદના જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવે છે અને રોગચાળા નિયંત્રણ માટે પણ મોટી રકમ ખર્ચ થાય છે પરંતુ ભ્રષ્ટાચાર અને યોગ્ય અમલ થતો ન હોવાથી પ્રજાના ટેક્ષના નાણાં વેડફાય છે અને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પાણી અને મચ્છરજન્ય રોગના શિકાર બની રહયા છે.