જમાલપુરમાં કમળાએ બાળકીનો ભોગ લીધો: કુલ ૫૦ કેસ નોંધાયા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના દિન પ્રતિદિન રોગચાળા ના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ના વિસ્તારમાં કોલેરા, કમળો અને ઝાડાઉલ્ટી જેવા પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ ખરુનાળા માં કમળાના ૪૦થી ૫૦ જેટલા કેસો નોંધાયા છે જેમાં એક બાળકીનું મૃત્યુ પણ થયું હોવાના આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર ઘ્વારા કરવામાં આવ્યા છે.
જમાલપુર વોર્ડના કોર્પોરેટર મહંમદ રફીક શેખે જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં ઠેર ઠેર પ્રદૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો છે.ખમાસા પાસે આવેલા ખારૂ કા નાલા નજીકના બાબુ રાવના મોહલ્લામાં રહેતી અરીબા મનસુરી નામની સાત વર્ષે બાળકી જેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સાત દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતી અને ત્યારબાદ ૫ જુલાઈના રોજ કમળાના કારણે તેનું મૃત્યુ થયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારમાં અનેક પોળ અને મોહલ્લામાં પ્રદૂષિત પાણીની છેલ્લા એક વર્ષથી ફરિયાદો ઉઠી રહી છે. મધ્ય ઝોનમાં જમાલપુર વોર્ડમાં ૫૪ કરોડ રૂપિયાના ખર્ચે પાણી અને ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ થઇ નથી.
પ્રદુષિત પાણીના કારણે ઠેર ઠેર રોગચાળો ફેલાયો છે. ખારુ કા નાલા વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ જેટલા લોકો રહે છે અને તેમાં અલગ અલગ તેમજ ફ્લેટ આવેલા છે જેમાં નાના બાળકોથી લઈને તમામ લોકો બીમાર પડ્યા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે છતાં પણ સમયસર કામગીરી થતી નથી જેના કારણે થઈને પ્રદૂષિત પાણીની સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.