સસ્તા દારૂને બ્રાન્ડેડ બોટલમાં ભરી દારૂ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરતી ભરૂચ LCB

રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત ઃ કુખ્યાત બુટલેગર સહિત ૪ વોન્ટેડ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના શીતલ સર્કલ નજીક આવેલ સી.આર.ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરી વેચવાના કૌભાંડનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી એક ઈસમ ૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુખ્યાત બુટલેગર સહિત ૪ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ દિપસિંગ તુવરને બાતમી મળી હતી કે શીતલ નજીક સી.આર.ચેમ્બર્સ કોમ્પ્લેક્ષના બીજા માળે લોબીમાં અગાઉ દારૂના કેસમાં પકડાયેલ આરોપી દિપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના દારૂના પાઉચને મોંઘી બ્રાન્ડેડ બોટલોમાં ભરીને વેચે છે
જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી વિદેશી દારૂના ૩૫૩ પાઉચ અને બોટલ,રોકડા રૂપિયા અને મોબાઈલ મળી આવતા કુલ ૧,૮૫,૯૨૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ફાટતળાવના દિપક ઉર્ફે બીબીનો અટકાયત કરી કાર્યવાહી હાથધરી હતી.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ૧૦૦૦રૂપિયાની કિંમતના ચાર પાઉચ માંથી એક બોટલ ભરી તૈયાર કરતો હતો.આ બોટલોને તે બુટલેગરોને ૨૦૦૦ રૂપિયાથી વધુના ભાવે વેચતો હતો.ટ્રેનમાં સિંગ વેચતો રાજુ વધારી સુરતથી ભંગારની દુકાન માંથી ખાલી બોટલો, સ્ટીકર્સ અને અન્ય સામગ્રી પૂરી પાડતો હતો.જે બાદ દારૂની બોટલો તૈયાર કરી રાહડપોરનો સલમાન,ભોલાવ જીઆઈડીસીનો કૃપેશ શંકર કહાર અને શક્તિનાથનો અનીશ રાણાને વેચાણ કરતો હતો.
પોલીસે ઝડપી પાડેલ દિપક ઉર્ફે બોબી, કુખ્યાત બુટલેગર સહિત ૪ લોકોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.