પાક.ને સમર્થન માત્રથી દેશદ્રોહનો ગુનો બનતો નથીઃ અલ્હાબાદ હાઇકોર્ટ

નવી દિલ્હી, અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર અથવા ભારતનું નામ લીધા વગર ફક્ત પાકિસ્તાનને સમર્થન આપવાથી ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૫૨ હેઠળ પ્રથમ દૃષ્ટિએ કોઇ દંડનીય ગુનો બનતો નથી. ન્યાયાધીશ અરુણ કુમાર સિંહ દેશવાલની ખંડપીઠ ૧૮ વર્ષના રિયાઝે દાખલ કરેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી.
રિયાઝે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટમાં લખ્યું હતું કે ચાહે જો હો જાય સપોર્ટ તો બસ…પાકિસ્તાન કા કરેંગે. તેથી તેની સામે બીએનએસની કલમ ૧૫૨ (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો) હેઠળ કેસ દાખલ કરાયો હતો.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભારત પ્રત્યે અનાદર દર્શાવતી કોઈ પણ વાતનો ઉલ્લેખ ન હોવાનું નોંધતા ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના અથવા ભારતનું નામ લીધા વિના ફક્ત પાકિસ્તાનને સમર્થન આપવું તે પ્રથમ દૃષ્ટિએ કલમ ૧૫૨ હેઠળ ગુનો ગણાશે નહીં.
સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરણી અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીની ઉશ્કેરણી અથવા ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના ઇરાદા સાથેના બોલાયેલા અથવા લખાયેલા શબ્દો, સંકેતો, ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર જેવા કૃત્યો હોય તો જ કલમ ૧૫૨ હેઠળ ગુનો દાખલ કરી શકાય છે.
કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ દેશને ટેકો આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવાથી ભારતના નાગરિકોમાં ગુસ્સો અથવા અસંમતિ પેદા થઈ શકે છે જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, પરંતુ ચોક્કસપણે બીએનએસની કલમ ૧૫૨ હેઠળ ગુનો બનતો નથી.
અરજદારની નાની ઉંમર અને ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાની હકીકતને ધ્યાનમાં લઇને કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.SS1MS