Western Times News

Gujarati News

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લશ્કરે ‘ઓપરેશન શિવા’ શરૂ કર્યું

નવી દિલ્હી, ભારતીય લશ્કરે પહેલગામ હુમલાને લીધે આ વખતે સંવેદનશીલ ગણાતી અમરનાથ યાત્રામાં સલામતિ અને સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. ઈન્ડિયન આર્મીએ આ માટે ‘ઓપરેશન શિવા ૨૦૨૫’ શરૂ કર્યું છે.

આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.

પાક. સમર્થિત આતંકી સંગઠનો દ્વારા વળતો હુમલો કરવાની ધમકીઓ વચ્ચે આ વર્ષે અમરનાથ યાત્રા નિર્વિÎને પૂર્ણ થાય તે ઓપરેશન શિવાનો ધ્યેય છે. સ્થાનિક તંત્ર અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)એ સંયુક્ત સમન્વય સાથે આ મિશન હાથ ધર્યું છે.

અમરનાથ યાત્રાના બંને મુખ્ય રસ્તા બાલતાલ તથા પહેલગામ માર્ગ પર મજબૂત સુરક્ષા માળખું સ્થપવામાં આવ્યું છે. આ વર્ષે સઘન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે યાત્રાના માર્ગ પર ૮,૫૦૦થી વધુ જવાનો તૈનાત છે.

આ સૈનિકોને તકનિકી સાધનો અને કાર્યકારી ક્ષમતાઓથી સુસજ્જ કરાયા છે. ઓપરેશન અંતર્ગત લશ્કરના જવાનો સ્થાનિક તંત્રને ડિઝાસ્ટર રિસ્પોન્સ અને કટોકટી રાહત કાર્યાેમાં પણ સહકાર પૂરો પાડી રહ્યા છે.

લશ્કરના જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા રૂટ પર મુખ્ય સુરક્ષા વ્યવસ્થામાં હવાઈ નિરીક્ષણ ગ્રીડ સામેલ છે જે ૫૦ સી-યુએએસથી સજ્જ છે અને ડ્રોન સહિતના સંભવિત હુમલાને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ સક્રિય છે.

યાત્રાના બંને રૂટ પર પણ લાઇવ મોનિટરિંગ, હવાઈ નિરીક્ષણ સાથે ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. માર્ગ પર ૧૫૦ ડોક્ટર્સની ટીમ પણ ખડેપગે છે સાથે મેડિકલ ટીમ, બે અદ્યતન ડ્રેસિંગ સ્ટેશનો, નવ મેડિકલ સેવા પોસ્ટ તથા ૧૦૦ બેડની હોસ્પિટલની સુવિધા પણ છે.

આ સાથે ૨૬ ઓક્સિજન બૂથ ઊભા કરાયા છે જેમાં બે લાખ લિટર ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ છે. ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા લશ્કરના હેલિકોપ્ટર્સ પણ સ્ટેન્ડ બાય રખાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.