Western Times News

Gujarati News

સેવાલીયા મહીસાગર નદી પરનો ખખડધજ બ્રીજ અને કપડવંજ તાલુકાના માઈનોર બ્રિજનું સમારકામ શરૂ કરાયું

(પ્રતિનિધિ) નડિયાદ, આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રીજ તૂટવાની ઘટના બાદ ખેડા જિલ્લામાં બે બ્રિજની મરામતનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં સેવાલીયાથી પંચમહાલને જોડતો મહીસાગર નદી પરનો બ્રીજ અને ભુંગળિયા પાટીયા થી બેટાવાડા પાટિયા વચ્ચે) આવેલ માઈનોર બ્રિજ નો સમાવેશ થાય છે આ બંને બ્રિજ બંધ કરીને વહન વ્યવહાર અન્ય જગ્યા પર થી લઈ જવા માટે કલેક્ટરે જાહેરનામુંબહાર પાડી દીધો છે

મળતી માહિતી મુજબ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રીજ તૂટી પડવાના બનાવ બાદ ખેડા જિલ્લામાં નદી, રેલવે, તળાવ, હાઈવે પર બંધાયેલા બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ અને ઈજનેરોની ટીમ દ્વારા ખાસ સર્વે કરી ઉપલી કક્ષાએ તેનો રીપોર્ટ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સતત વાહનોથી ધમધમતા મુખ્ય ગણાતા બ્રીજ પર સમારકામની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. સેવાલીયાથી પંચમહાલ જિલ્લાના ટીમ્બા તરફ જોડતો માર્ગ પર આવેલ મહિસાગર નદીના બ્રીજ ખખડધજ હાલતમાં હતો. બ્રીજના જોઈન્ટ પાસેના સળિયા દેખાતા અને ખાડાના પગલે આ બ્રીજ વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન છે?.

ગંભીરાની ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને છેવટે મરામતનુ બ્રહ્મજ્ઞાન લાદ્યુ હતું. ખેડા, પંચમહાલ અને વડોદરાને જોડતો આ બ્રીજ પર દૈનિક ૧૦ હજાર કરતા વધુ વાહનો અવરજવર કરે છે. ત્યારે તંત્ર દ્વારા ગતરોજ જાહેરનામું બહાર પાડી આ બ્રીજને વાહન વ્યવહાર માટે બંધ કરી અને મરામતની કામગીરી આરંભી દીધી છે. મહત્વનું છે કે, આ બ્રીજના એક્સપાન્સ જોઈન્ટ, બેરીંગનું સમારકામ કરવામાં આવશે.

જેથી વાહનવ્યવહાર માટે આગામી બે માસ એટલે કે, ૧૦ જુલાઈથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી વાહનવ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના વૈકલ્પિક માર્ગ તરીકે સેવાલીયા ગામ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી પાલી ગામ, બાલાસિનોર રોડ તરફ અમદાવાદ-ઈન્દોર હાઈવે થઈ ટીમ્બા ગામ અને ગોધરા તરફ આગળ જઈ શકાશે?. મહત્વનું છે કે, આસપાસના ગ્રામજનો અને દૈનિક આ બ્રીજનો ઉપયોગ કરતા વાહનચાલકો લાંબા સમયથી જીવના જોખમે આ બ્રીજનો ઉપયોગ કરતા હતા.

આ ઉપરાંત નવાગામ બેટાવાડા નિરમાલી રોડ પર કિમી ૬/૯૦૦ (ભુંગળિયા પાટીયા થી બેટાવાડા પાટિયા વચ્ચે) આવેલ માઈનોર બ્રિજ સ્કાવરીંગના કારણે જર્જરીત થયેલ હોય તથા બ્રીજનું નવીનીકરણ કરવાની કામગીરીની મંજૂરી આપેલ હોય, જેથી નવો બ્રીજ બને ત્યા સુધી બ્રીજ બંધ કરી બ્રીજ પરના વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયર્વટ કરવામાં આવ્યા છે.

વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવાના માર્ગો જોઈએ તો કપડવંજ થી નવાગામ, બેટાવાડા થઈ નિરમાલી તરફ જતો તમામ વાહન વ્યવહાર., નિરમાલી થી બેટાવાડા, નવાગામ થઈ કપડવંજ તરફ આવતો તમામ વાહન વ્યવહાર નો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને અવરજવર કરવા માટે વૈકલ્પિક માર્ગો જાહેર કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.