ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ તંત્ર હરકતમાં પંચમહાલ જિલ્લામાં બ્રિજોની તાત્કાલિક તપાસ

વેસ્ટર્ન ટાઈમ્સમાં પ્રસારીત અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાનું વહીવટી તંત્ર હવે હરકત મા આવ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જૂના બ્રિજોની તાકીદે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોધરા શહેરના સાતપુલ બ્રિજને લઈને પણ ચિંતાજનક હાલત બહાર આવી છે. વેસ્ટર્ન ટાઈમ્સ ન્યુઝ દ્વારા પ્રસારીત અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી, આરએન્ડબી વિભાગના ઈજનેરો અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થળ પર પહોંચી અને બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરી.
તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, સાતપુલ બ્રિજ સહિત પંચમહાલના અનેક પુલો લાંબા સમયથી ક્ષતિગ્રસ્ત હાલતમાં છે. સ્થાનિક લોકો અને જાહેર પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા છતાં યોગ્ય પગલા લેવાતા નહોતા. જોકે હવે, ગંભીરા બ્રિજના પતન પછી તંત્રએ આખા જિલ્લામાં આવેલા તમામ પુલોની તાત્કાલિક સમીક્ષા શરૂ કરી છે.
આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે જર્જરિત બ્રિજોની મરામત અને નવીનિકરણ અંગે ત્વરિત કાર્યવાહી જરૂરી બની છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને મરામત કે નવા બ્રિજ માટે આયોજન કરવામાં આવશે તેવો ઇશારો આપવામાં આવ્યો છે.