અમદાવાદ શહેરનાં 172 નોંધાયેલા તળાવોમાંથી 37 તળાવો ગાયબ

પ્રતિકાત્મક
Ahmedabad, અમદાવાદ શહેરની પરંપરાગત જળ સંસ્કૃતિને મોટો ઝટકો લાગી રહ્યો છે. નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલ (NGT)એ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે શહેરના 172 નોંધાયેલા તળાવોમાંથી 37 તળાવો “ગાયબ” થઈ ગયા છે. આવું બનવા પાછળના મુખ્ય કારણો તરીકે અનિયમિત શહેર વિકાસ, તળાવોના વિસ્તાર પર થયેલા બિનકાયદેસર કબજાઓ અને AMC દ્વારા સમયસર યોગ્ય પગલાં ન લેવાં બતાવવામાં આવ્યા છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ઘ્વારા અમદાવાદ શહેરમાંથી ગાયબ થઈ રહેલા તળાવો મામલે AMC, જિલ્લા કલેક્ટર, GPCB અને CPCB પાસેથી 28 ઓગસ્ટ સુધી વિગતવાર જવાબ માંગવામાં આવ્યો છે. તળાવો અંગેની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે કારણ કે છેલ્લા મોનસૂનમાં માત્ર 89 તળાવોમાં જ પૂરતું પાણી ભરાઈ શક્યું હતું જ્યારે શહેરમાં કુલ 156 તળાવો હોવાનું નોંધાયેલ છે.
શહેરના સૌથી ચર્ચિત તળાવો જેમ કે વસ્ત્રાપુર, થલતેજ, મેમનગર અને સોલા તળાવોનો પાણીનો વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોમાં આશરે 46% સુધી ઘટી ગયો છે. થલતેજ તળાવના સ્થાને આજે હાઉસિંગ સોસાયટી અને AMCનું પાણી વિતરણ કેન્દ્ર ઉભું જોવા મળે છે, જે સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે. કહેવાય છે કે કેટલીક તળાવોની જમીન પર પોલીસ પોઈન્ટ, સરકારી દફતર અને દુકાનો પણ બાંધવામાં આવી છે, જેના કારણે તળાવનો મૂળ હેતુ જ ખોવાઈ ગયો છે.
AMC તરફથી જણાવાયું છે કે હાલ શહેરના 142 તળાવોને પુનઃજીવંત બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેટલાક તળાવો પાસે STP (Sewage Treatment Plant) સ્થાપિત કરી કેવળ વરસાદ નહીં પણ રિસાઈકલ પાણીથી પણ ભરવાની યોજના બનાવાઈ છે.
હવે નજર રહેશે કે, AMC અને અન્ય અધિકારીઓ NGT અને હાઇકોર્ટના આદેશોને કઈ ગંભીરતાથી લાગુ કરે છે અને શહેરના ઐતિહાસિક તળાવોને ફરીથી જીવંત બનાવવા માટે શું આકરી કાર્યવાહી કરે છે.