Western Times News

Gujarati News

અંબાજીમાં મીડિયાના કેમેરા જોતા તબીબોને કેમ ભાગવું પડ્યું

પ્રતિકાત્મક

અંબાજીમાં તબીબોની બેદરકારીથી મહિલાનું મોત- પરિવારજનોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ અને બેદરકારી દાખવનાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે

બનાસકાંઠા, બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તબીબી બેદરકારીના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે, સાપ કરડયા બાદ સમયસર સારવાર ન મળતા મહિલાએ જીવ ગુમાવ્યો છે.

મળતી જાણકારી અનુસાર, અંબાજી ખાતે એક મહિલાને સાપ કરડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે, પરિવારજનોનો દાવો છે કે, આશરે બે કલાક સુધી મહિલાને કોઈ યોગ્ય સારવાર આપવામાં આવી નહતી.

પરિવારજનોનું કહેવું છે કે, જો સમયસર દવા આપવામાં આવી હોત, તો અમારી સ્વજન આજે જીવતી હોત. મહિલાનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મીડિયાકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, મીડિયાના કેમેરા જોતા જ હાજર તબીબો ત્યાંથી ચાલતી પકડી હતી, જે તેમની બેદરકારી અને ડરનો સ્પષ્ટ સંકેત આપે છે.

પરિવારજનોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ અને બેદરકારી દાખવનાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની કથળી ગયેલી હાલત અને તબીબોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું આવા તબીબો સામે ક્્યારેય કાયદેસરની કાર્યવાહી થશે અને નિર્દોષ લોકોના જીવ બચશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.