દામનગર અમરેલીને જોડતા મુખ્ય માર્ગનો આ બ્રીજથી છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયો છે

file photo
તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં -ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો
ડ્રાઇવર્ઝન માત્ર નામ પૂરતુ જ છે, કારણ કે નદીમાં પૂરના પાણી આવતાં જ બધી માટી તણાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે
અમરેલી, અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા સાજણ ટીંબા ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે. જેના કારણે આસપાસના ૮થી૧૦ ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સરકારી બસ બસ આવી શકતી ન હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મુકવા જવા પડે છે.
ઇમરજન્સી સેવા ૧૦૮ એમ્બુલન્સ પણ અહીં ડાયરેક્ટ આવી શકતી ન હોવાથી દર્દીઓ કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સાજણ ટીંબા ગામે આવેલો ગગડીયો નદી ઉપરનો પુલ અત્યંત જૂનો અને જર્જરિત થઈ ચૂક્્યો હતો. કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય તેના માટે તંત્ર દ્વારા આ પુલ ઉપર માટી નાખી છેલ્લા બે વર્ષથી પુલ ઉપર અવર જવર બંધ કરી દેવામાં આવી છે. લોકોને હાલાકી ના પડે તેના માટે નદીમાં કાચું બે મોટા ભૂંગળા વાળું ડ્રાઇવર્ઝન કાઢવામાં આવ્યું છે. પરંતુ ડ્રાઇવર્ઝન માત્ર નામ પૂરતુ જ છે, કારણ કે નદીમાં પૂરના પાણી આવતાં જ બધી માટી તણાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે.
સ્થાનિક રહીશ લાલજીભાઈ માલધારીએ જણાવ્યું હતું કે દામનગરથી અમરેલીને જોડતો આ મુખ્ય માર્ગ હોવાના કારણે ગુંદરણ,આસોદર, હરિપર , સાજણ ટીંબા સહિત ૮ થી ૧૦ ગામોના લોકોને અવાર નવાર લીલીયા અને અમરેલી જવાની ફરજ પડે છે.
આ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ લીલીયા અને અમરેલી ઉપડાઉન કરે છે. એક પણ એસટી બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે અથવા તો જઈ શકતા નથી. અહીં આસપાસનો વિસ્તારના સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાના કારણે બાળકોને તેમના માતા પિતા એકલા મૂકી પણ શકતા નથી.
આ ઉપરાંત દર્દીઓ માટે એમ્બુલન્સ જેવી ઇમરજન્સી સર્વિસ પણ ડાયરેક્ટ આવી શકતી નથી. હોસ્પિટલ જવા માટે આશરે ૧૫ કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે સમય પણ વધુ લાગે છે. તંત્રના પાપે પ્રસુતાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ખુબજ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સાજણ ટીંબા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તો સારો અને પાક્કો કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું અને અધિકારી પાસે માહિતી મેળવવા જણાવ્યું હતું. બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ પુલનું ટેન્ડર થઈ ગયું છે અને એજન્સી પણ નક્કી થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ કામ શરૂ કરવામાં આવશે. ત્યારે શું હવે ખરેખર લોકોની આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી તંત્રના પાપે લોકોની મુશ્કેલીઓ યથાવત રહેશે.