સુરત મનપા અને GPCBની મિલીભગતના કારણે લોકોના આરોગ્ય પર જોખમ

પ્રતિકાત્મક
કમિટિના ચેરમેન સોમનાથ મરાઠેના આક્ષેપ કરવા સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
સુરત, સુરત મનપા અને જીપીસીબીની મિલીભગત અને હપ્તાખોરીના કારણે લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું હોવાનો ટ્રાન્સપોર્ટ કમિટિના ચેરમેન સોમનાથ મરાઠેના આક્ષેપ કરવા સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જે બાદ સુરતમાં અત્યાર સુધી ૨૬ એકમોના ડ્રેનેજનાં જોડાણો બંધ કરાયા છે,
સુરતના વિવિધ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગ તેમજ શ્રમજીવી લોકો વસવાટ કરે છે. આ લોકોના વસવાટની નજીક જ કેમિકલવાળા પાણીની સમસ્યા વિકટ બની રહી છે, મફતનગરમાં કેમિકલવાળું પાણી મિલવાળા છોડી રહ્યા છે. આ સમસ્યા સામે જીપીસીબી કે પાલિકાની કોઈ પ્રકારની વોચ ન હોવાથી તેઓ કેમિકલવાળું પાણી ટ્રીટ કર્યા વિના છોડી રહ્યા છે. જેની ફરિયાદ લોકો દ્વારા કર્યા બાદ ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાળા અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, આ અંગે ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાળા એ જણાવ્યું હતું કે ગુરુવારે ઉધના ઝોનમાં ૮ એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા.
ઉધના વિસ્તારમાં ચાલતા કેટલાક ગેરકાયદેસર તપેલા ડાઇંગ સંચાલકો ડ્રેનેજમાં કનેક્શન કરી ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી ડ્રેનેજ લાઈનમાં છોડી રહ્યા છે. હાલમાં ગત રવિવારે પણ વરસાદ પડી રહ્યો હતો ત્યારે ઉધના વિસ્તારમાં ગટરમાંથી કેમિકલયુક્ત પાણી રોડ પર લીકેજ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ત્યારબાદથી પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરી છે. ગુરુવારે ઉધના ઝોનની ટીમ દ્વારા ૨૧ જેટલા યુનિટો પર તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૦૮ યુનિટો દ્વારા ગેરકાયદેસર જોડાણ હોવાનું બહાર આવતા તમામના કનેક્શન સીલ કરી દેવાયા હતા. જ્યારે ૧૩ તપેલા ડાઇંગ યુનિટો બંધ થઈ ગયા હતા અને ત્યાં અન્ય વેપાર-ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધી પાલિકા દ્વારા કુલ ૨૬ જેટલા એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા છે. કેમિકલ યુક્ત પાણીને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય છે અનેક ફરિયાદો ઉઠે છે.
કોઈ કાર્યવાહી નહીં હાલ તો સિલીંગની કામગીરી કરીને પાલિકાના અધિકારીઓ સંતોષ માની રહ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે આ સીલ કેટલા દિવસ રહેશે અને જો આ એકમો ફરી ધમધમતા થશે તો શું ફરી સીલ કરવાની રમત રમાશે,પાલિકા અને જીપીસીબીની મિલીભગત લોકોના જીવ સાથે જોખમ સર્જી રહી હોવાના ખુદ ભાજપ કોર્પોરેટરના આક્ષેપ છે, હવે જોવું એ રહ્યું કે ગેરકાયદેસર તપેલા ડાઇંગ પર ખરેખર કાર્યવાહી થશે કે પછી માત્ર કાગળ પર આ કાર્યવાહી રહી જશે.