દીકરીના જવારા પધરાવવા ગયેલા ડોક્ટરનો પગ લપસતા ડૂબી ગયા

પ્રતિકાત્મક
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ, ૩૯ વર્ષીય ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું અડાલજ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી શનિવારે દુઃખદ અવસાન થયું છે.
ડૉ. નિરવ પોતાની ૬ વર્ષની દીકરી દ્વીજાના ગોરોના જવારા પધરાવવા અડાલજ નર્મદા કેનાલ પર ગયા હતા, જ્યાં આ દુર્ઘટના બની હતી. ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની ડૉ. કોશા બંને ડોક્ટર છે. નિરવ પીડિયાટ્રિક તબીબ હતા
અને તેમના પરિવારના ગોરાના વ્રત પૂર્ણ થયા પછી દીકરીના જવારા પધરાવવા માટે તેઓ એક્ટિવા પર દીકરીને લઈને અડાલજ મુખ્ય નર્મદા કેનાલ ગયા હતા. ત્યાં તેમણે દીકરીને કેનાલની બહાર ઊભી રાખી, પોતે જવારા પધરાવવા માટે પાણીમાં ઉતર્યા. દીકરી પિતાને જોઈને આનંદ અનુભવી રહી હતી, પણ અચાનક ડૉ. નિરવનો પગ લપસી જતાં તેઓ કેનાલના જળપ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.
પિતાને ડૂબતા જોઈને ૬ વર્ષની દીકરીએ રોકકળ સાથે ચીસો પાડવા લાગી હતી. જેના કારણે આજુબાજુના રિક્ષાચાલકો દોડી આવ્યા અને ભારે મહેનત બાદ ડૉ. નિરવને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક અડાલજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. ત્યારબાદ તેમના પરિવારજનો અને પત્ની ડૉ. કોશા પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા.
પોલીસે ઘટનાની માહિતી મેળવી દોડી આવી હતી. અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ જણાવ્યું હતું કે, ડૉ. નિરવનું મોત દુર્ઘટનાગત રીતે પગ લપસી જવાથી થયું છે. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી અને એક રિક્ષાવાળા ભાઈએ સાહસ બતાવીને કેનાલમાં પડેલા ડૉ. નિરવને બહાર કાઢ્યા હતા.