જાણીતા બિલ્ડરે માતાજીના મઢમાં આપઘાત કેમ કર્યો?

પ્રતિકાત્મક
(એજન્સી)રાજકોટ, રાજકોટના નામાંકિત ફાયનાન્સર અને બિલ્ડરે આપઘાત કર્યો છે. સરધારાના ભંગડા ગામમાં બીશુભાઈવાળાએ જીવન ટૂંકાવ્યું હતું. પોતાની રિવોલ્વરથી ગોળી મારી છેલ્લા શ્વાસ લીધા હતા. બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. બિલ્ડરના આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ફાઇનાન્સ તેમજ બિલ્ડિંગ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા બીશુભાઈ વાળા (ઉંમર ૬૨)નું વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ મૂળ ભંગડા ગામના વતની હતા અને આજે સવારે ત્યાં આવેલા તેમના નિવાસસ્થાને હતા. ત્યારે અચાનક આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, બીશુભાઈ સવારે માતાજીના મઢમાં બેસેલા હતા ત્યારે લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પોતાના માથા પર ગોળી મારી આત્મહત્યાની ઘટના અંજામ આપી હતી. ગોળીનો અવાજ સાંભળતાની સાથે જ પરિવારજનો અને નજીકવાસીઓ દોડી આવ્યા હતા. પરંતુ તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હોવાનું ડૉક્ટરો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
બીશુભાઈ વાળા રાજકોટમાં ઉચ્ચ સ્તરનો વ્યવસાય કરતા હતા અને સમાજમાં તેમનું વ્યક્તિત્વ અત્યંત પ્રતિષ્ઠિત માનવામાં આવતું. તેમના અચાનક નિધનથી પરિવારમાં અને સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી રહ્યા છે.