પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ

વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઇવે મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી)ના સભ્ય શ્રી વેંકટરમને સ્થળનિરીક્ષણ કર્યું
સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેકસ પાસે શ્રી વેંકટરમને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા
વાહનચાલકોને સુવિધાજનક પરિવહનની ખાત્રી આપતા NHAIના સભ્ય શ્રી વેંકટરમન
ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત થવા મામલે NHAIની ઊંડાણપૂર્વક તપાસ : કલેકટર શ્રી તુષાર ભટ્ટ
તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના સાથે રોડ રસ્તા, બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગોનું પણ સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિય સંચાલિત ભારત માલા હાઇવે પર રાજસ્થાનના સાંચોરથી પાટણ જિલ્લાના સાંતલપુર સુધીના ૧૩૫ કિમી પૈકીનો ૧.૩૫ કિમી હાઇવે માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમને સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેકસ પાસે હાઇવે માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી)ના સભ્ય શ્રી વેંકટરમને આજરોજ જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતા ભારત માલા હાઇવેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેકસ પાસે શ્રી વેંકટરમને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા હતા, તેમજ સેમ્પ્લની ગુણવત્તામાં ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવી નાગરિકો અને વાહનચાલકોને પડી રહેલી અસુવિધા મામલે શ્રી વેંકટરમને ખેદ વ્યક્ત કરી સત્વરે સુવિધાજનક પરિવહનની ખાત્રી આપી હતી.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમને જણાવ્યું કે ભારત માલા પ્રોજેક્ટ સાંચોરથી સાંતલપુર માર્ગ પર ઝોન ૪ના હાઇવે માર્ગ પર ખાડા પડવાની અને રોડ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું માલુમ પડતાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રોડનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે. રોડના સેમ્પલ લેવામાં આવ્યા છે, તેની ચકાસણી કરવામાં આવશે અને તેમાં ગુણવત્તામાં કચાશ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રોડ પર ખાડા પડવા મામલે તેમણે ગુજરાતના વાહનચાલકો અને નાગરિકો સમક્ષ ખેદ વ્યક્ત કરી સુવિધાયુક્ત અને આરામદાયક પરિવહનની ખાતરી આપી હતી.
વધુમાં તેમણે રોડની કામગીરી માટે નવિન મશીનરી અને મેન પાવર સપ્લાય કરવામાં આવી છે તેમ જણાવી વરસાદી વાતાવરણ નહિ હોય તો ટૂંક સમયમાં રોડની મરામત અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
પાટણ જિલ્લા કલેકટર શ્રી તુષારકુમાર ભટ્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર રોડ રસ્તાની સુવિધા પૂર્વવત કરવા માટે કટિબદ્ધ છે. ભારત માલા રોડ ક્ષતિગ્રસ્ત થવા મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમને ખૂબ ઊંડાણપૂવર્ક તપાસ કરી છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધાં છે. રોડના પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી છે. વધુ માણસો કામે લગાડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
ભારતમાલા હાઇવે નિરીક્ષણ અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રિજિયોનલ ઓફિસર શ્રી સુનીલ યાદવ, રાધનપુર પ્રાંત અધિકારીશ્રી, માર્ગ મકાન વિભાગ પાટણ (રાજ્ય)ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.