ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ

AI Image
(એજન્સી)વડોદરા, વડોદરા શહેરના બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે.
શહેરના બિલ કેનાલ રોડ ઉપર આવેલા પ્લેનેટ વનમાં રહેતા દેવીદાસભાઈ (૧૨ જુલાઈ) વહેલી સવારે ૬ વાગ્યે દૂધ લેવા માટે નીકળ્યા હતા. આ સમયે નજીકમાં જ ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે દેવીદાસ જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવી છે.
અકસ્માતમાં પોતાના હાથની એક આંગળી ગુમાવવાને લઈને દેવીદાસે આ ઘટના કોર્પોરેશનની બેદરકારીથી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ખાડાના કારણે મારું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતમાં મેં હાથની એક આંગળી ગુમાવી છે.
હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. જેમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર આધારિત રહે છે. આંગળીના કારણે મને અપંગતા આવતા મારા આવકના સ્ત્રોત સામે જોખમ સર્જાતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરુ છું.’
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં અનેક માર્ગો ઉપર મોટા ખાડા પડવા હોવાથી વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં કોંગ્રેસના વોર્ડ નં.૧૨ના પ્રમુખે લોકોમાં જાગૃતતા લાવવા અને તંત્રની આંખો ખોલવા કલાલી, અટલાદરા, બિલ અને વિશ્વામિત્રી વિસ્તારમાં પોસ્ટર સાથેની જીપ ચલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.