ગાંધીનગરમાં કુલ રૂ. ૩૮ કરોડના ખર્ચે ‘વ્હાઈટ ટોપિંગ રોડ’ના કામ પૂર્ણ કરાયા

રાજધાનીમાં કુલ ૬.૨૦ કિ.મી. લંબાઈનો કોબા-અડાલજ લિન્ક રોડ તથા ૨.૮૦ કિ.મી.લંબાઈનો સરગાસણ-રક્ષાશક્તિ સર્કલ રોડની કામગીરી પૂર્ણ કરાઈ
વ્હાઈટ ટોપિંગ કરાયેલા રોડનું આયુષ્ય ૨૦ વર્ષ-આર્થિક રીતે RCC રોડની તુલનાએ વ્હાઈટ ટોપિંગ પદ્ધતિ વધુ સરળ
Gandhinagar, ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશા -દર્શનમાં માર્ગ અને મકાન વિભાગને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રાજ્યભરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા અંગે સૂચન કર્યું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુલ રૂ. ૩૮ કરોડના ‘વ્હાઈટ ટોપિંગ‘ રોડના કામોને મંજૂરી આપી હતી.
જેમાં ગાંધીનગરમાં ૬.૨૦ કિ.મી. લંબાઈનો કોબા-અડાલજ લિન્ક રોડ, ૨.૮૦ કિ.મી. લંબાઈનો સરગાસણ-રક્ષાશક્તિ સર્કલ રોડનો સમાવેશ થાય છે. આ બંને રસ્તાઓની વ્હાઈટ ટોપિંગ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ ટોપિંગ કરવામાં આવેલા રોડનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. વ્હાઈટ ટોપિંગ હાલની ડામરની સપાટી પર લગાવવામાં આવ્યું છે. આ તકનીક આર્થિક રીતે આર.સી.સી. રોડની તુલનાએ વધુ સરળ છે. આ પદ્ધતિ ડામરના રિસર્ફેસિંગ કરતા વધુ લાભદાયી માનવામાં આવે છે. રસ્તામાં ડામર સપાટી ઉપર ૨૦ સી.મી. કોંક્રિટના થરની કામગીરી કરવામાં આવે છે. જે ડામર તથા આર.સી.સી.ની કામગીરીથી જુદી પદ્ધતિ છે.
ચોમાસાની ઋતુમાં પાણીના વધુ પ્રવાહના કારણે ગુણવત્તાયુક્ત અને સઘન દેખરેખ સાથે કરવામાં આવેલા ડામરના રોડમાં પણ પેચ પડતા હોય છે. આવી પરિસ્થિતિમાં વ્હાઈટ ટોપિંગ તકનીક ફાયદાકારક ગણવામાં આવે છે. વ્હાઈટ ટોપિંગની કામગીરી કરેલો રોડ હવે વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે તેમ, માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.