Western Times News

Gujarati News

પૃથ્વી પરના મંગળ ગ્રહના સૌથી મોટા ખડકની હરાજી થશે

ન્યૂયોર્ક, ન્યૂયોર્કમાં ઓક્શન હાઉસ સોધેબી પૃથ્વી પર મળી આવેલા મંગળ ગ્રહના સૌથી મોટા ખડકની બુધવારે હરાજી કરશે. આશરે ૫૪ પાઉન્ડ (૨૫ કિલોગ્રામ)ના ખડકની અંદાજિત હરાજી કિંમત ૨૦ લાખથી ૪૦ લાખ ડોલર (આશરે શ્૧૫થી ૨૦ કરોડ) રાખવામાં આવી છે. સોધેબીના ઇતિહાસ થીમ આધારિત હરાજીના ભાગરૂપે એનડબલ્યુએ ૧૬૭૮૮ નામના ખડકની હરાજી કરશે.

આ હરાજીમાં ૬ ફૂટથી વધુ ઉંચા અને લગભગ ૧૧ ફૂટ લાંબા કિશોર સેરાટોસોરસ ડાયનાસોર હાડપિંજરનો પણ સમાવેશ થાય છે. આ ઓક્શન હાઉસના જણાવ્યા અનુસાર મંગળની સપાટી પર લઘુગ્રહના પ્રચંડ પ્રહારથી આ ખડક ઉડ્યો હતો અને તે ૧૪ કરોડ માઇલની સફર કરીને પૃથ્વી પર પડ્યો હોવાનું માનવામાં આવે છે. તે સૌ પ્રથમ સહારાના પ્રદેશમાં પડ્યો હતો.

નવેમ્બર ૨૦૨૩માં નાઇજરમાં ઉલ્કાપિંડની શોધ કરતાં એક વ્યક્તિને આ ખડક મળ્યો હતો.આ ખડક લાલ, ભૂરા અને ભૂખરા રંગનો છે. તે પૃથ્વી પર મળી આવેલા મંગળના બીજા સૌથી મોટા ખડક કરતાં લગભગ ૭૦ ટકા મોટો છે અને તે આપણા ગ્રહ પર મંગળના મળી આવેલા તમામ પદાર્થાેના લગભગ ૭% ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તે લગભગ ૧૫ ઇંચ લાંબો, ૧૧ ઇંચ પહોળો ૬ ઇંચ ઉંચો છે.

સોધેબીના વિજ્ઞાન અને કુદરતી ઇતિહાસના વાઇસ ચેરમેન કેસાન્ડ્રા હેટનએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મંગળ ગ્રહનો આ ઉલ્કાપિંડ મંગળ ગ્રહનો પૃથ્વી પરનો સૌથી મોટો ટુકડો છે. તે મંગળ ગ્રહનો જેનો અમે સૌથી મોટો ટુકડો માનતા હતાં તેના કરતા કદમાં બમણાથી વધુ છે. તે એક દુર્લભ શોધ પણ છે.

પૃથ્વી પર મળી આવેલા ૭૭,૦૦૦થી ઉલ્કાપિંડમાંથી મંગળ ગ્રહની ઉલ્કાપિંડની સંખ્યા માત્ર ૪૦૦ છે. હેટને જણાવ્યું હતું કે આ ખડકને વિશેષ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જ્યા તે મંગળ ગ્રહનો ખડક હોવાની પુષ્ટિ મળી હતી. તેમાં પાયરોક્સિન અને ઓલિવિન ખનિજો છે.તેની સપાટી કાચ જેવી છે. તેનું કારણ પૃથ્વીના વાતાવરણ તેને ઊંચી ગરમીમાંથી પસાર થયો હતો.

આ ઉલ્કાપિંડને અગાઉ રોમમાં ઇટાલિયન સ્પેસ એજન્સીના એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો હતો. સોધેબીએ આ ખડકના માલિકનું નામ જાહેર કર્યું નથી. આ ઉલ્કાપિંડ પૃથ્વી પર ક્યારે અથડાયો તે ચોક્કસ રીતે સ્પષ્ટ નથી, પરંતુ પરીક્ષણો દર્શાવે છે કે તે કદાચ તાજેતરના વર્ષાેમાં બન્યું હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.