Western Times News

Gujarati News

એક્ટિવાનું હોર્ન વગાડવા જેવી બાબતે ૮ લોકોનો યુવક અને પરિવાર પર હુમલો

અમદાવાદ, નિકોલ કઠવાડા રોડ પર આવેલી સોસાયટીમાં પત્ની, બાળક પરિવાર સહિત રહેતો યુવક શનિવારે દૂધ લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની જ સોસાયટીમાં રહેતા શખ્સ રસ્તાની વચ્ચે ચાલતો હોવાથી એક્ટિવા ચાલક યુવકે હોર્ન મારીને ખસવાનું કહેતા જોરથી કેમ હોર્ન માર્યું કહી યુવક સાથે તકરાર કરી હતી.

બાદમાં આરોપીના પરિવારના ૮ સભ્યોએ ભેગા થઈને એક્ટિવાચાલક યુવક અને તેના સસરા અને બે સાળીને જાહેરમાં માર માર્યાે હતો. ઘાયલ યુવકે તમામ વિરુદ્ધ નિકોલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.કઠવાડા સિંગરવા રોડ નજીક પ્રેરણા સોસાયટીમાં રહેતા આકાશભાઈ ઓડ (૨૪) પત્ની અને બાળક સાથે રહે છે અને છુટક મજૂરી કામ કરે છે.

તા.૧૨ જુલાઈએ આકાશ દૂધ લઈને ઘરે આવતો હતો તે સમયે રસ્તામાં તેની જ સોસાયટીમાં રહેતો ધાર્મિક ઓડ નામનો યુવક રસ્તાની વચ્ચે ચાલતો હોવાથી એક્ટિવાનું હોર્ન વગાડ્યું હતું.

રોષે ભરાયેલા ધાર્મિક ઓડે કેમ જોરથી હોર્ન વગાડે છે કહી આકાશ સાથે તકરાર કરી હતી. આકાશે ઘરે જઈને બનાવ અંગે પત્નીને જાણ કરી હતી. તેથી આકાશની પત્ની તેને લઈને સોસાયટીમાં રહેતા ધાર્મિકના ઘરે ગઈ અને કેમ મારા પતિ સાથે ઝઘડો કરે છે કહેતા ધાર્મિક ઓડ અને તેના પરિવારના ૮ સભ્યોએ દંપતીને માર માર્યાે હતો.

આકાશે પોલીસ કંટ્રોલને જાણ કરતા તમામ લોકો નાસી ગયા હતા. થોડીવાર બાદ પાછા આવીને બધાએ ભેગા મળી દંપતી, સસરા, સાળા, સાળીને બેટના ફટકા માર્યા હતા.

અન્ય લોકો મામલો થાળે પડાવ્યો અને ઘાયલ યુવક અને પરિવારને સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા. ત્યાંથી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યાં સારવાર મેળવ્યા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક સીતારામ ઓડ, સીતારામ ઓડ, પ્રકાશ રણછોડભાઈ ઓડ, મનિષભાઈ ઓડ, અશોકભાઈ રણછોડભાઈ ઓડ, ગભરિયાબેન ઓડ, રણછોડભાઈ મગનાજી ઓડ તથા હંસાબેન ઓડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.