અંતિમ ટી૨૦માં ઇંગ્લેન્ડનો વિજય, ભારત વિમેન્સ સિરીઝ જીતી

મુંબઈ, ઓપનર ડેનિલી વેઇટ-હોજની અડધી સદી અને સાથી ઓપનર સોફી ડન્કલે સાથેની તેની સદીની ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમે શનિવારે રાત્રે રમાયેલી પાંચમી ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારત સામે પાંચ વિકેટે વિજય હાંસલ કર્યાે હતો.
જોકે ભારતે અગાઉથી જ આ સિરીઝ જીતી લીધી હતી. પાંચ ટી૨૦ મેચની સિરીઝમાં સ્કોર ૩-૨થી ભારતની તરફેણમાં રહ્યો હતો. ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તેની ઇનિંગ્સ ટીમને સફળતા અપાવી શકી ન હતી.
અહીંના એજબસ્ટન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટી૨૦ ક્રિકેટ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે તેની ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૬૭ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમે છેલ્લી ઓવરના છેલ્લા બોલે વિજયી રન ફટકારીને સફળતા હાંસલ કરી હતી.
ઇંગ્લેન્ડની ચાર્લી ડીનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી જ્યારે સિરીઝમાં સૌથી વધુ સફળતા હાંસલ કરનારી ભારતીય બોલર શ્રી ચરાણીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ એનાયત થયો હતો.ભારતે ત્રીજી ઓવર સુધીમાં અનુભવી સ્મૃતિ મંધાના (૦૮) અને જેમિમાહ રોડ્રિગ્સ (૦૧)ની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ શેફાલી આક્રમક બેટિંગ કરતી રહી હતી.
કેપ્ટન હરમનપ્રિત કૌરે ૧૫ અને રિચા ઘોષે ૧૬ બોલમાં ૨૪ રન ફટકારીને પોતાની રીતે યોગદાન આપ્યું હતું પરંતુ ભારતની ઇનિંગ્સ મહદઅંશે શેફાલી વર્મા પર આધારીત રહી હતી.શેફાલી વર્માએ માત્ર ૪૧ બોલ રમીને ૧૩ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૮૨.૯૩ના સ્ટ્રાઇક રેટથી ૭૫ રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ માટે ચાર્લી ડીને ત્રણ અને સોફી એકેલ્સ્ટને બે વિકેટ લીધી હતી.
૧૬૮ રનના ટારગેટ સામે રમતાં ઇંગ્લેન્ડે ઝંઝાવાતી પ્રારંભ કર્યાે હતો. સોફી ડન્કલે અને ડેનિલી વેઇટે ૧૧મી ઓવર સુધીમાં જ ટીમનો સ્કોર ૧૦૦ ઉપર પહોંચાડી દીધો હતો. ડેનિલીએ ૩૭ બોલમાં ૫૬ અને ડન્કલેએ ૩૦ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. ઇનિંગ્સના અંત ભાગમાં ભારતીય બોલર્સે થોડી લડત આપી હતી અને મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી પહોંચાડી હતી.SS1MS