Western Times News

Gujarati News

‘સુપરમેન’ને સેન્સરે ૩૩ સેકન્ડનો સીન કાપીને યૂએ ૧૩+ સર્ટિફિકેટ આપ્યું

મુંબઈ, જેમ્સ ગન દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ ‘સુપરમેન’ ૧૨ જુલાઈએ ભારતમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની અહીં પણ ઘણી રાહ જોવાતી હતી. અહીં રિલીઝ કરતાં પહેલાં તેમાં સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા કેટલાંક ફેરફાર સુચવાયાં હતાં, પછી તેને સર્ટિફિકેટ અપાયું હતું.

આ ફિલ્મને ચાર દિવસ પહેલાં ૭ જુલાઈએ જ સર્ટિફિકેટ મળ્યું છે, જેમાં મેકર્સને આખી પ્રિન્ટમાંથી બધાં જ અપશબ્દો દૂર કરવા કહેવાયું છે. આ ઉપરાંત સીબીએફસીએ ૩૩ સેકન્ડનો એક સેન્સ્યુઅલ સીન પણ તેમને મોકલાયેલી પ્રિન્ટમાંથી દૂર કરવા કહેવાયું છે. રસપ્રદ વાત એ છે કે એ સીનમાંથી કિસ કરતો ભાગ રખાયો છે, તેના પછીનો આખો સીન કાપી નાખવામાં આવ્યો છે.

ફિલ્મ સ્ટુડિયો સેન્સરે કહેલાં બધાં જ સુધારા કરવા તૈયાર હોવાથી ‘સુપરમેન’ યૂએ૧૩+ સર્ટિફિકેટ સાથે પાસ થઈ રહી છે. તેનો અર્થ એવો થાય કે આ ફિલ્મ ૧૩ વર્ષના કે તેની મોટી ઉંમરના દરેક વ્યક્તિ માટે જોવાલાયક છે.

હોલિવૂડની ફિલ્મમાંથી આ પ્રકારના સીન દૂર કરવા બાબતે આ પહેલાં પણ સેન્સર બોર્ડે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેનું એક સૌથી મોટું ઉદાહરણ ‘ઓપનહાઇમર’ ફિલ્મ છે, જેમાં બંને લીડ કેરેક્ટર સિલિયન મર્ફી અને ફ્લોરેન્સ પફ વચ્ચેનો ઇન્ટિમેટ સીન હટાવી દેવાયો હતો.

તાજેતરમાં જ સેન્સર દ્વારા ટોમ ક્›ઝની‘મિશન ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માંથી પણ બે અયોગ્ય સીન દૂર કરાયા હતા. ભારતમાં રિલીઝ કરતા પહેલાં હવે હોલિવૂડ સ્ટુડિયો પણ જાતે અમુક સીન સેન્સર કરતા થયા છે, જેથી તેઓ સેન્સર બોર્ડની પ્રક્રિયામાં વિલંબ ઓછો કરી શકે. આ ફિલ્મ ૧૩૦.૪૪ મિનિટ એટલે કે ૨ કલાક અને ૧૦ મિનિટ તેમજ ૪૪ સેકન્ડની છે.

આ ફિલ્મ ૨૮૦૦ સ્ક્રીનમાં રિલીઝ થશે. જે પ્રમાણે એડવાન્સ બૂકિંગ થયાં છે, તે મુજબ પહેલાં જ દિવસે ભારતમાં ૮થી ૯ કરોડની કમાણી કરી લે તેની અપેક્ષા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ રાજકુમાર રાવની ‘માલિક’ અને શનાયા કપૂર તેમજ વિક્રાંત મેસ્સીની ‘આંખો કી ગુસ્તાખિયાં’ સાથે ટકરાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.