ઝઘડાનાં સમાધાન માટે બોલાવી ચાર શખ્સો દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ: ઈસનપુરમાં જુના ઝઘડાની અદાવત રાખી સમાધાનના બહાને બોલાવીને એક વ્યકિતને પાંચ શખ્સોએ ટોળકી બનાવી પેટમાં તથા ગળાના ભાગે છરીઓ મારી દીધી હતી જાનથી મારી નાખવાના ઈરાદે આવેલા શખ્સોના હાથમાંથી બચીને યુવાન લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચતા પરીવાર પણ ચોંકી ઉઠયો હતો અને યુવાને લઈ એલ.જી.હોસ્પીટલ લઈ જતા ફરજ પરના તબીબોએ તેની સારવાર શરૂ કરી છે જયારે ગંભીર રીતે ઘાયલ યુવાનની પત્નીએ પાંચ ઈસમો વિરુધ્ધ હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધાવી છે.
હુમલાનો ભોગ બનનાર મહેશભાઈ ચુનારા પત્ની રૂપાબેન સાથે ચાર માળીયા દુર્ગાનગર વટવા ખાતે રહે છે. સાસુની તબીયત ખરાબ હોઈ ગઈકાલે પત્ની તથા અન્ય સંબંધીઓ સાથે મળી મહેશભાઈ પોતાની રીક્ષામાં તેમના ખબર અંતર પુછવા ચંડોળા તળાવ નજીકના છાપરામાં ગયા હતા બપોરના સુમારે તેમના ફોન ઉપર સાળીના પતિ વિજય ઉર્ફે ચીના નટુભાઈ ડાભી (હરીપુરા હાઉસીંગ છાપરા)નો ફોન આવ્યો હતો જેણે દિલીપ વઢીયારી સાથે બે દિવસ અગાઉ થયેલા ઝઘડા બાબતે સમાધાન માટે બોલાવતા મહેશભાઈ સુર્યનગર ગરનાળા પાસે કેનાલ ગાર્ડન નજીક ગયા હતા.
જયાં વિજય ઉર્ફે ચીનાએ તેમને રોકીને દિલીપ વઢીયારીએ ઝઘડાના કારણે તેમને સમાધાન માટે બોલાવી જાનથી મારી નાખવા માટે મોકલ્યો હોવાનું કહયુ હતું મહેશભાઈ કંઈ સમજે એ પહેલાં જ વિજયે મહેશભાઈને તેમની રીક્ષામાંથી ભેટયા હતા જયારે તેના અન્ય ત્રણ સાગરીતો ભરત ડાભી, રાજ નરેશ બારોટ અને કિરણ બાબુભાઈ (તમામ રહે. હરીપુરા હાઉસીંગના છાપરા) અચાનક આવી ગયા હતા અને ચારેયે ભેગા થઈ મહેશભાઈ સાથે ઝપાઝપી કરી તેમને પકડી લીધા હતા
જયારે ચીનાએ છરી કાઢીને તેમના પેટમાં અને ગળાના ભાગે વારંવાર ઘા મારતા તે લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં મહેશભાઈ હિંમત બતાવી ત્યાંથી પોતાની રીક્ષામાં ચંડોળા ખાતે આવ્યા હતા પતિની હાલત જાઈ રૂપાબેન ગભરાઈ ગયા હતા અને એલ.જી.હોસ્પીટલમાં લઈ ગયા હતા ઈસનપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પાંચેય શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.