શાસ્ત્રી બ્રિજની સલામતી માટે તંત્ર થયું સજાગ – NH-47 પર ડિઝાઇન વિભાગ સાથે સંયુક્ત નિરીક્ષણ

વિશાલા નજીક આવેલા બ્રિજની સલામતી અંગે તંત્રનો સક્રિય અભિગમ
Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાની તાત્કાલિક મરામત હાથ ધરવા અને ક્ષતિગ્રસ્ત માર્ગો તથા પુલોના નવીનીકરણ માટે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. રોડ નેટવર્ક પૂર્વવત્ સુગમ બને એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને રોડ રસ્તા, બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. સ્ટેટ તથા નેશનલ હાઇવે ઓથોરિટીને પણ માર્ગો તથા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરવાનો આદેશ કરાયો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સૂચન અનુસાર અમદાવાદ શહેરના વિશાલા નજીક આવેલ શાસ્ત્રી બ્રિજ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47)ની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ)ના કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર અને ડિઝાઇન વિભાગના અધિકારીએ સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરી બ્રિજની વર્તમાન સ્થિતિનું વિસ્તૃત સર્વેક્ષણ હાથ ધર્યું છે.
નિરીક્ષણ દરમિયાન બ્રિજના સુપરસ્ટ્રક્ચર, સબસ્ટ્રક્ચર, એક્સપાન્શન જૉઇન્ટ્સ, પેરાપેટ દીવાલો તથા ડ્રેનેજ વ્યવસ્થાઓ સહિત વિવિધ માળખાકીય ઘટકોની તપાસ કરવામાં આવી છે. યાત્રીઓની સુરક્ષા અને વાહન વ્યવહારના પ્રવાહને ધ્યાનમાં રાખીને જરૂરી કામગીરી હાથ ધરવા અંગેનાં સૂચનો પણ નોંધવામાં આવ્યા છે.