કુલ ૯૭ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયા: જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

ગંભીરા બ્રીજ
ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ ૪૭ ટકા પેચવર્કની તથા ૬૩ ટકા પોટહોલ્સ પૂરવાની કામગીરી પૂર્ણ
વિવિધ વિસ્તારોમાં કુલ ૧,૪૦૧ કિ.મી.ના રસ્તાઓમાં પેચવર્કની તથા ૯,૦૯૨ પોટહોલ્સની કામગીરી કરાઈ
Gandhinagar, ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરીને પૂર્વવત કરવા આદેશ આપ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં કુલ ૪૭ ટકા પેચવર્કની કામગીરી એટલે કે, કુલ ૧,૪૦૧ કિ.મી. લંબાઈના મેજર અને માઈનોર રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ ઉપરાંત રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની ૬૩ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે એટલે કે, કુલ ૯,૦૯૨ પોટહોલ્સ પુરવામાં આવ્યા છે.
ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી ભારે વરસાદના પગલે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેજર અને માઇનોર પેચવર્ક કરવાપાત્ર ૨,૯૮૫ કિ.મી. રસ્તાઓમાંથી કુલ ૧,૪૦૧ કિ.મી. રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી બનવી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે.
અત્યારસુધીમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર કુલ ૧૪,૪૩૯ જેટલા માઇનોર પોટહોલ્સ-ખાડા પૈકી ૯,૦૯૨ એટલે કે ૬૩ ટકાથી વધુ પોટહોલ્સ ભરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોન્ક્રીટથી ભરેલા પોટહોલ્સ ૨૮૭, પેવર બ્લોકથી ભરેલા પોટહોલ્સ ૧૩૮, મેટલથી ભરેલા પોટહોલ્સ ૫,૭૩૫ અને ડામરથી ભરેલા ૨,૯૩૨ પોટહોલ્સનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ અસુવિધા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૩૨૩.૧૯ કિ.મી.ના રસ્તાઓમાંથી ૧૫૯.૭૪ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૧,૭૧૪ પોટહોલ્સ ભરવામાં આવ્યાં છે. ગાંધીનગર ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૧૭૬.૦૭ કિ.મી.ના રસ્તાઓમાંથી ૧૨૨.૮ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી તેમજ ૧,૧૮૮ પોટહોલ્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ- ૧ ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૩૬૬.૩ કિ.મી.ના રસ્તાઓમાંથી ૧૦૬ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ ૮૪૫ પોટહોલ્સની કામગીરી પૂર્ણ કરાઈ છે. રાજકોટ- ૨ ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૯૦૭.૬ કિ.મી.ના રસ્તાઓમાંથી ૨૩૫.૭ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ ૭૬૭ જેટલા પોટહોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.
આ ઉપરાંત વડોદરા ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૫૩૪.૮ કિ.મી.ના રસ્તાઓમાંથી ૩૭૮ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ ૨,૧૬૮ પોટહોલ્સ ભરવામાં આવ્યાં છે. સુરત ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ ૬૭૬.૩ કિ.મી.ના રસ્તાઓમાંથી ૩૯૯ કિ.મી.ના રસ્તામાં પેચવર્કની તેમજ ૨,૪૧૦ પોટહોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, શક્ય જોખમોને ટાળવા માટે મેજર અને માઈનોર કેટેગરીના ભારે વાહનો માટેના ૮૧ અને તમામ વાહનો માટેના ૧૬ મળીને કુલ ૯૭ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના ૧૨, પંચાયતના ૨૩ અને રાજ્ય ધોરીમાર્ગના ૬૨ પુલનો સમાવેશ થાય છે તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવ્યુ છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે તમામ પુલોની ત્વરિત સમીક્ષા કરીને યોગ્ય મરામત માટે તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપ્યા છે. જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી પુલો પર વાહન વ્યવહારને ડાઈવર્ટ કરવા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરાઈ છે.