વિદ્યાર્થીનીની છેડતી મામલે અમદાવાદની આ શાળાના શિક્ષક સસ્પેન્ડ

Files Photo
Ahmedabad મ્યુનિસિપલ સ્કૂલમાં ૨૧ વર્ષ નોકરી કરી છે અને વર્ષ ૨૦૧૯થી જમાલપુરની સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.
(એજન્સી)અમદાવાદ, શહેરના જમાલપુરમાં આવેલી સરકારી શાળામાં વિધાર્થીનીનો છેડતીનો મામલો સામે આવ્યો છે. આ સરકારી શાળામાં ફરજ બજાવતા સંગીતના શિક્ષકે વિદ્યાર્થિનીની સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં થતા પોલીસે શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે મહિલા શિક્ષક તપાસ કરી સાત દિવસમાં સ્કૂલ બોર્ડમાં રિપોર્ટ સબમિટ કરશે.
શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતી વિધાર્થિની સાથે એ જ સરકારી શાળાના સંગીતના શિક્ષકે અડપલાં કર્યાનો મામલો સામે આવ્યો હતો. જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ થતા પોલીસે આરોપી શિક્ષક રણછોડની ધરપકડ કરી છે.
સ્કૂલબોર્ડ પાસેથી મળતી વિગતો અનુસાર, શિક્ષકે આદરવામાં મ્યુનિસિપલ સ્કૂલમાં ૨૧ વર્ષ નોકરી કરી છે અને વર્ષ ૨૦૧૯થી જમાલપુરની સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. શિક્ષક પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે સંગીતના શિક્ષક તરીકે ફરજ આપવામાં આવી હતી.
સ્કૂલબોર્ડના સાધનાધિકારી લÂબ્ધર દેસાઈએ જણાવ્યું કે, સ્કૂલ બોર્ડ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમગ્ર મામલે તપાસ સમિતિ બનાવાઇ છે. જેમાં બે મહિલા શિક્ષક તપાસ કરી સાત દિવસમાં રિપોર્ટ સબમિટ કરશે. તેમણે જણાવ્યું કે શિક્ષક ૧૯૯૮થી ૨૦૧૯ સુધી અસારવા શાળામાં ફરજ બજાવતા હતા. ૨૦૧૯થી ૨૦૨૫ સુધી જમાલપુર શાળામાં મ્યુઝિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
મહત્વનું છે કે, પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે વિધાર્થિની છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલે જવા મામલે અલગ અલગ કારણો આપતી હતી. પરંતુ ગત ગુરુવારે શાળાએથી આવ્યા બાદ વિધાર્થીની ડરી ગઈ હતી અને રડતી હતી. જેથી તેની માતાએ વિધાર્થીનીને વિશ્વાસમાં લઈ પૂછતા વિધાર્થિનીએ ચોંકાવનારી હકીકત રજુ કરી હતી.