કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ

પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપ્યું
Gandhinagar, મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય છે. સામાન્ય લોકો પહેલેથી જ બનેલા રસ્તા પર ચાલે છે. જ્યારે, મહાપુરુષો પોતાનો રસ્તો બનાવી અન્ય લોકોને પણ તે રસ્તા પર ચાલવા પ્રેરિત કરે છે. અત્યારે દુનિયા જે રસ્તા પર ચાલી રહી છે તે ખૂબ જ હાનિકારક છે, માટે આપણે તે તમામને યોગ્ય રસ્તા ઉપર લઈ જવા પડશે. કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો તો દુનિયા તમારું સન્માન કરશે.
રાજભવન ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,
નોકરી મેળવીને આપણી જાતને નોકર ના સમજવા જોઈએ, નોકરી એ ફક્ત આવકનો એક સ્ત્રોત છે. પરંતુ, તમે દેશના ભવિષ્યના ભાગ્યવિધાતા છો. જેવી રીતે 60 ના દશકમાં ડૉ.સ્વામીનાથને દેશની અનાજની અછતને પૂરી કરવા માટે હરિત ક્રાંતિ શરૂ કરી હતી, તેવી જ રીતે તમે પ્રાકૃતિક કૃષિમાં ક્રાંતિ લાવીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરશો. પ્રાણી માત્રના જીવને બચાવવાના કાર્યથી મોટું પુણ્ય કોઈ નથી.
શ્રીમદ ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, જેવું અન્ન તેવું મન. આપણે જેવું અન્ન ખાઈએ, તેવા જ આપણે બનીએ છીએ. શુદ્ધ અને સાત્વિક આહારથી, શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પ્રાકૃતિક કૃષિ લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપી શકે તેમ છે.
હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, એ સમયે એક હેક્ટર જમીનમાં 13 કિલો નાઇટ્રોજન નાખવાની ભલામણ કરવામાં આવી હતી અને સાથે છાણીયું ખાતર અથવા જૈવિક ખાતર નાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. તે સમયે સારું ઉત્પાદન મળતું હતું કારણ કે, સમગ્ર દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા જેટલો હતો. તે સમયે ખેડૂતો યુરિયા – ડીએપીની સાથે છાણીયું ખાતર નાખતા હતા. પછી ધીરે ધીરે યુરિયાનો ઉપયોગ વધતો ગયો.
અત્યારે હરિયાણામાં બટેટાના ખેતરમાં એક એકર જમીનમાં 12 થી 13 થેલી યુરિયા ડીએપી નાખવામાં આવે છે. રાસાયણિક જંતુનાશક દવાઓ અને યુરિયા – ડીએપીના અંધાધુંધ ઉપયોગથી ધરતીની ગુણવત્તા વધારનાર બેકટેરિયાઓ અને સૂક્ષ્મ જીવો નાશ પામ્યા છે. જેના પરિણામે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5 થી ઓછો થઈ ગયો છે.
રાજ્યપાલશ્રીએ તેમના અનુભવ વર્ણવતા જણાવ્યું કે, શરૂઆતમાં હું પણ ગુરુકુળની જમીનમાં રાસાયણિક ખેતી કરતો હતો, રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે મેં તેનો વિકલ્પ શોધવાની કોશિશ કરી. જે બાદ મને કૃષિ યુનિવર્સિટી, હિસારના વૈજ્ઞાનિક ડૉ. હરિ ઓમે ઓર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતી કરવાની સલાહ આપી હતી. તેમની સલાહ મુજબ મેં જૈવિક ખેતી કરી પરંતુ તેમાં વધુ ખર્ચ, વધુ મહેનત છતાં ઉત્પાદન ખૂબ ઓછું મળતું હતું. ત્યારબાદ મેં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવાની શરૂઆત કરી, આ ખેતી પદ્ધતિ નહીવત ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. આ ઉપરાંત લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા, પાણી અને પર્યાવરણને બચાવવાનું કામ કરે છે.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત વૈજ્ઞાનિકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતની ઊંડી સમજ આપી હતી તથા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃત બનાવવાની પદ્ધતિ પણ વર્ણવી હતી.
આ તકે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયાએ નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો અને માર્ગદર્શન આપવા બદલ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાર્ય પ્રાકૃતિક કૃષિ માટે વધુ મદદરૂપ થઇ શકે તે માટે રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન ખૂબ મહત્વનું સાબિત થશે.
આ કાર્યક્રમમાં રાજભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, કૃષિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા, કૃષિ નિયામક શ્રી પ્રકાશ રબારી, આત્માના ડાયરેક્ટર શ્રી સંકેત જોશી, બાગાયત નિયામક શ્રી હરિસિંહ ચાવડા, નીતિ આયોગના પ્રાકૃતિક કૃષિના સલાહકાર શ્રી પાટીલજી તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના નવનિયુક્ત સહાયક પ્રાધ્યાપકો અને સહાયક સંશોધન વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.