વલસાડના કપરાડા તાલુકાના આ ગામમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી

પ્રતિકાત્મક
ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી -આ ઘટના બાદ શિક્ષણ વિભાગે જિલ્લાની અન્ય શાળાઓમાં પણ તપાસની શક્યતા વ્યક્ત કરી છે
વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝર ગામમાં આવેલી સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે શાળા શિક્ષણ વિભાગની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ધોરણ ૯ અને ૧૦નો અભ્યાસક્રમ ચલાવી રહી હતી. શાળાને માત્ર ધોરણ ૧થી ૮ સુધીના અભ્યાસક્રમ માટે પરવાનગી મળેલી હતી.
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિયોન એજ્યુકેશન ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને ધોરણ ૯ અને ૧૦ના વર્ગો શરૂ કર્યા હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, વિભાગે શાળાને કારણદર્શક નોટિસ જારી કરી છે અને નિયમોનું પાલન ન કરવા બદલ કડક કાર્યવાહીની ધમકી આપી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે ચાલતા આ વર્ગોને તાત્કાલિક બંધ કરવા જરૂરી પગલાં લેવામાં આવશે.
આ ઘટનાએ ઓઝર ગામ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓએ શાળાના આ પગલાં પર નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે ગેરકાયદેસર વર્ગોના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર પણ અસર થઈ શકે છે. શિક્ષણ વિભાગે સંસ્થાને નિયમોનું પાલન કરવા અને આવી ગેરરીતિઓ રોકવા સખત સૂચના આપી છે.
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું કે આવા કેસોમાં કોઈપણ શાળા કે સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. વિભાગે અન્ય શાળાઓને પણ નિયમોનું પાલન કરવા અને પરવાનગી વિના નવા અભ્યાસક્રમો શરૂ ન કરવા ચેતવણી આપી છે. આ ઘટના બાદ શિક્ષણ વિભાગે જિલ્લાની અન્ય શાળાઓમાં પણ તપાસની શક્્યતા વ્યક્ત કરી છે.
સિયોન એજ્યુકેશન ટ્રસ્ટને આપેલી કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે નિયત સમય આપવામાં આવ્યો છે. જો સંસ્થા નિયમોનું પાલન નહીં કરે, તો શાળા સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે, જેમાં શાળાની માન્યતા રદ થવાની શક્્યતા પણ સામેલ છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે નિયમોના પાલનની મહત્તા પર ફરી એકવાર ભાર મૂક્્યો છે.