૧૮ ગ્રાહકોના કાર બુકિંગના ૯.૬૫ લાખની ઉચાપત કરી કર્મીઓએ નોકરી છોડી દીધી

અમદાવાદ, ઉસ્માનપુરા ખાતેના વીડિયોકન એરીઝોન બિલ્ડિંગમાં આવેલા મારૂતિ નેક્સાના શો રૂમના ૫ પૂર્વ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ તમામ પૂર્વ કર્મીઓએ ૧૫ માસ પહેલા ૧૮ ગ્રાહકો પાસેથી કાર બુકિંગના નાણાં મેળવી લઇ કાર વેઇટિંગમાં હોવાનું કહી ડિલિવરી આપી નહોતી. કેટલાક ગ્રાહકોએ સીઇઓ સુધી ફરિયાદ કરતા તપાસ કરવામાં આવી હતી.
જેમાં આ તમામ પૂર્વ કર્મીઓએ ગ્રાહકોના નાણાં મેળવીને અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કરીને ૯.૬૫ લાખની ઉચાપત કરી હોવાનું જણાયું હતું. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધ્યો છે. ઘાટલોડિયામાં રહેતા તેજસભાઇ પટેલ પોપ્યુલર વિલર્સ પ્રા. લી. નામની મારૂતિ કંપનીના શોરૂમમાં એકાઉન્ટન્ટ છે. તેમની કંપનીની ચાર ડીલરશીપ પૈકીનો એક શોરૂમ ઉસ્માનપુરામાં આવેલો છે.
થોડા સમય પહેલા તેજેન્દ્રભાઇ ચૌધરી નામના ગ્રાહકે સીઇઓ મિતેષભાઇ કાનાબારને ફરિયાદ કરી હતી. તેજેન્દ્રભાઇએ બે કાર બુક કરાવી હોવા છતાંય લાંબા સમયથી વેઇટિંગ બતાવ્યુ હોવાની ફરિયાદ કરી હતી. જેથી કંપની દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં સામે આવ્યુ કે આરોપીઓએ બુકિંગના નાણાં અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
વધુ શંકા જતા ૨૦૨૪ના મે માસથી હાલ સુધીના બુકિંગ ડેટાની તપાસ કરાઈ હતી. જેમાં સામે આવ્યુ કે શો રૂમના મેનેજર, સિનિયર રિલેશનશીપ મેનેજર અને કેશિયરે ભેગા મળીને ૧૮ ગ્રાહકો પાસેથી બુકિંગના નાણાં લઇને અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કરીને કંપનીને ચૂનો ચોપડ્યો હતો.
જે બાદ મેનેજર, સિનિયર રિલેશનશીપ મેનેજર સહિતના લોકોએ છથી ૧૦ માસ પહેલા નોકરી છોડી દીધી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે ૯.૬૫ લાખની ઉચાપત આચરનાર મેનેજર હિતેશ પટેલ (રહે.સાંતેજ), કેશિયર સંજય પટેલ (રહે.ન્યૂ રાણીપ), સિનિયર રિલેશનશીપ મેનેજર વિવેક કેલૈયા (રહે. નિકોલ ગામ), રિલેશનશીપ મેનેજર ધ્›વ કાનાની (રહે. હંસપુરા) અને જૈમિન પંચાલ (રહે. નવા વાડજ) સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS