બે મહિલાએ દંડાના ૨૪ ફટકા મારી યુવકનું માથું ફોડી નાખ્યું

અમદાવાદ, તાજેતરમાં દરગાહ પરિસરમાં બે મહિલા અને એક યુવકે ભેગા થઈને રમકડાં વેચતા ફેરિયા પર ચોરીનો આરોપ લગાવીને લાકડાના દંડાના ૨૪ ફટકા મારીને યુવકનું માથું ફોડી નાખ્યું હતું. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવક ફસડાઈ પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઇસનપુર પોલીસે બે મહિલા સહિત ૩ની ધરપકડ કરી છે.
વટવા સદભાવનાનગરમાં રહેતા ૪૦ વર્ષીય શહેનશાહ ઉર્ફે મુન્નો અખ્તર શેખ શાહઆલમ દરગાહ પરિસરમાં પાથરણાં લગાવીને રમકડા વેચવાનો વેપાર ધંધો કરે છે.
તા.૯ જુલાઈએ વરસાદ વધુ હોવાથી યુવક ત્યાં પાથરણાં લગાવીને ધંધો કરતો હતો ત્યાં તપાસ કરવા ગયો હતો કે વરસાદના લીધે તેની જગ્યામાં પાણી ભરાઈ ગયા છે કે નહીં. આ દરમિયાન તેની સામે વેપાર કરતી મહિલા આવી અને યુવક પર આરોપ લગાવ્યો કે તેં મારા દીકરાના રૂપિયા અને મોબાઈલ ચોરી લીધા છે. આમ કહી તે તેની સાથે ઝઘડો કરવા લાગી હતી.
યુવકે ઇનકાર કર્યાે કે તેણે કોઈનો ફોન કે રૂપિયા ચોર્યા નથી. તેમ છતાં ફીઝાબાનુ અંસારી, તસ્લીમા બાનુ અંસારી અને ઇસ્તીખાન અંસારીએ ત્રણેયે ભેગા મળીને રમકડાં વેચીને ગુજરાન ચલાવતા યુવકને બેરહેમીપૂર્વક લાકડાના દંડાના ઉપરાઉપરી ૨૪ ફટકા મારીને માથું ફોડી નાખ્યું હતું. દરગાહ પરિસરમાં બૂમાબૂમ થતા અન્ય લોકો એકઠા થઇ જતા મામલો થાળે પડાવ્યો હતો.
બાદમાં યુવક રિક્ષામાં બેસીને તેની બહેનના ઘરે ગયો અને ત્યાંથી હોસ્પિટલ ગયો હતો. બીજી તરફ ફીઝાબાનુ અંસારી અને તસ્લીમાબાનુ અંસારી બંને મહિલાઓ ભેગા મળીને યુવકને માર મારી રહ્યા હતા તેનો વીડિયો બનાવીને અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે હતો. ઇસનપુર પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોંધીને બે મહિલા સહિત ૩ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS