Western Times News

Gujarati News

1975માં બનેલો ભોગાવો નદી પરનો બ્રિજ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પ્રતિબંધિત તથા ડાયવર્ઝન કરવા જાહેરનામું

Google maps

અમદાવાદ-બાવળા- બગોદરા તથા અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને બ્રિજ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ પ્રતિબંધિત તથા ડાયવર્ઝન કરવા અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Ahmedabad, કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા ઉપર્યુક્ત તા.૧૧/૦૭/૨૦૨૫ અને તા.૧૩/૦૭/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓના વિભાગ હસ્તકના અમદાવાદ-બાવળા-બગોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેઈનેજ ૧૧૫+૨૫૦ થી ૧૧૭+૩૦૦ વચ્ચે ભોગાવો નદી પર આવેલ ભોગાવો બ્રિજ (મેજર બ્રિજ) અંદાજે સને ૧૯૭૫ માં બનાવવામાં આવેલ છે. સદર બ્રિજ બિસ્માર હાલતમાં હોઈ તેની પર ભારે વાહનોની અવર જવર પ્રતિબંધિત કરવા જણાવેલ છે.

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદ થી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ઈપીસી ઈજારદાર દ્વારા મૌખિક રીતે જણાવ્યા મુજબ તા. ૨૦/૦૭/૨૦૨૫ સુધીમાં પુર્ણ કરવામાં આવશે.

વધુમાં સદર એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિક નું વહન એક જ લેન માં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી ઋતુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈ ટ્રાફિકની સલામતી જોખમાવા ની શક્યતા રહેલ છે.

જેથી વરસાદી ઋતુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે સારુ અમદાવાદ થી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને તા.૧૩/૦૭/૨૦૨૫ થી ૩૧/૦૭/૨૦૨૫ સુધી કુલ દિન ૧૯ ના સમયગાળા સુધી પ્રતિબંધિત જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧)(ખ) મુજબનું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.

આથી હું બી. આર. સાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છુ કે, તા.૧૩/૦૭/૨૦૨૫થી ૩૧/૦૭/૨૦૨૫ સુધી કુલ દિન ૧૯ના સમયગાળા માટે અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવા જણાવું છું.

ઉપરોકત જાહેરનામાના પ્રતિબંધિત હુકમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા જાહેર જનતાને સુચના આપવા આવે છે.

પ્રતિબંધિત વિસ્તાર -અમદાવાદ-બાવળા-બગોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેઈનેજ ૧૧૫+૨૫૦ થી ૧૧૭+૩૦૦ વચ્ચે ભોગાવો નદી પર આવેલ ભોગાવો બ્રિજ (મેજર બ્રિજ)

વૈકલ્પિક રૂટ -રાજકોટ થી અમદાવાદ આવતા નવીન ભોગાવો બ્રિજ પર  આ જાહેરનામું અમલમાં આવ્યેથી નીચે મુજબની અમલવારી પણ વાહન ચાલકોએ કરવાની રહેશે.

(૧) ડાયવર્ઝન આપેલ માર્ગ પર તમામ વાહનોને ઓવરટેક કરવાની મનાઇ ફરમાવવામાં આવે

(૨) ડાયવર્ઝન આપેલ માર્ગ પર ભારે વાહનો ડાબી સાઇડમાં તથા નાના લાઇટ વાહનો જમણી બાજુએ જ ચલાવવા ફરમાવવામાં આવે છે.

(3) આ જાહેરનામું અમલમાં રહે ત્યાં સુધી સદર જગ્યાએ કોઇપણ વાહન રોડ ઉપર ઉભુ રાખી શકાશે નહી.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ – ૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.