GIDCમાં જમીન ગુમાવનારા જાગેશ્વરના લોકોને રોજગારી નહીં મળતા વિરોધ પ્રદર્શન કરાયું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામમાં નૌયાન શીપયાર્ડ અને રિલાયન્સ કંપની સામે લેન્ડલુઝર્સોને રોજગારી ન આપતા કલેક્ટરને રજુઆત કરી હતી અને આગામી પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓને જેતે સમયે જમીન ફાળવી દેવામાં આવી છે.ત્યારે જાગેશ્વર ગામમાં નૌયાન શીપયાર્ડ પ્રા.લી તેમજ રિલાયન્સ કંપની સામે જમીન ગુમાવનારા લેન્ડલુઝર્સોના પરિવારોમાં રોષ ફાટ્યો છે.
કંપનીએ જમીન લેતી વખતે આપેલા રોજગારી,વળતર અને વિકાસના વચનો આજ સુધી ફક્ત આશ્વાસન પૂરતા જ રહ્યા છે અને છેલ્લા ૩૯ મહિના પસાર થયા હોવા છતાં નોકરી કે વળતર હજુ સુધી જેટે કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા નથી જેને કારણે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા પુનઃ જાગેશ્વર ગામના લેન્ડલુઝર્સો કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણી સંતોષવા રજૂઆત કરવા પહોંચ્યા હતા.
લેન્ડલુઝર્સો અને ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણી સંતોષવા તંત્રને રજૂઆત કરી રહ્યા છે.તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આવનાર દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની અને કંપનીના ગેટને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે તંત્ર કંપની અને જીઆઈડીસી સાથે સંકલન કરી લેન્ડલુઝર્સોના સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરે તે જરૂરી છે.