ઉગમણાના મુવાડા ગામે આવેલો નદી પરનો કોઝ વે ધોવાઈ જતા લોકોને ભારે હાલાકી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નજીક આવેલા ઉગમણાના મુવાડા ગામના લોકોને છેલ્લા બે વર્ષથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કારણકે ગામથી પસાર થતી મયો નદી પરનો મુખ્ય કોઝવે તૂટી ગયો છે. આ કોઝવે સમગ્ર વિસ્તારને ગોધરા તથા દરૂણીયા સહિતના મહત્વના વિસ્તારોથી જોડતો હતો. તૂટેલા કોઝવેના કારણે ગામના લોકો વિવિધ જરૂરિયાતો માટે જીવના જોખમ પર રાખી નદી પાર કરી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઝવે તૂટી ગયાને બે વર્ષ વીત્યા, છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પ્રભાવી પગલું લેવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆતો છતાં પણ માત્ર આશ્વાસનો મળે છે અને સમસ્યા યથાવત્ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે વિદ્યાર્થીઓ, વૃદ્ધો, તથા મહિલાઓ માટે નદી પાર કરવી અઘરી બની જાય છે.ગત રવિવારે ઉગમણાના મુવાડા પાસે એક વૃદ્ધ નાગરિક ભેંસો ચરાવવા ગયેલા.
ત્યારે તેમને અચાનક પેટમાં દુખાવો શરૂ થયો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને નજીકની આરોગ્યસેવા સુવિધા સુધી પહોંચાડવી જરૂરી હતી.પણ તૂટેલા કોઝવેના કારણે વાહન જવા આવવા માટેનો કોઈ અવકાશ હતો નહી.પરિણામે ગ્રામજનોને વૃદ્ધને ખાટલામાં ઊંચકી નદીના પાણીમાંથી પગપાળ પસાર કરીને બહાર લાવવાનું થયું.
આ ઘટનામાં અનેક યુવાનો હાજર રહી મોતને મોઢે નાખી નદી પાર કરી વૃદ્ધને સલામત રીતે બહાર લાવ્યા હતા.આ ઘટના પછી સમગ્ર ગામમાં રોષની લાગણી છવાઇ ગઈ છે. ગ્રામજનોના કહેવા મુજબ, “અમે કોઇ મોટા રખેવાળાના ગામમાં નહોતાં રહેતા, તેથી અમારાં દુઃખની કોઈને ચિંતા નથી. તંત્ર માત્ર ભવ્ય યોજનાઓની જાહેરાત કરે છે, વાસ્તવમાં અમારાં માળખાકીય પ્રશ્નો ન વિચારાય.
“સ્થાનિક લોકોએ તાત્કાલિક તૂટી ગયેલા કોઝવેના સમારકામ માટે માંગ ઉઠાવી છે. આ રસ્તો ગામ માટે એકમાત્ર સરળ માર્ગ છે, અને તેની દુરસ્તી વિના કોઈ પણ આરોગ્ય કે શૈક્ષણિક સેવા સુધી પહોંચવું દૂષ્કર બની ગયું છે. જો તંત્રએ હવે પણ ગંભીરતા ન દાખવે તો ગામવાસીઓ દ્વારા તીવ્ર આંદોલન ચલાવવાનો ઈશારો પણ આપવામાં આવ્યો છે.