વડોદરા-આણંદને જોડતા રોડ વરસાદથી ધોવાતા છ કિ.મીના પટ્ટા પર રૂ. ૨૮ કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ કરાયું

વડોદરા, રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં યુદ્ધના ધોરણે રિપેરિંગ કરીને રસ્તાઓ પૂર્વવત્ બનાવવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જિલ્લાઓમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ સંબંધિત સમસ્યાઓના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવા માટે પણ વહીવટી તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગોત્રી સેવાસી સિંધરોટ રોડ પર આશરે છ કિલોમીટરનો એવો પટ્ટો હતો, જે ભૌગોલિક સ્થાનને લીધે વરસાદી પાણી ભરાવાથી દર વર્ષે ક્ષતિગ્રસ્ત થતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ પટ્ટાને વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી નવનિર્મિત કરવાનો નિર્ણય લેવાયો. લાંબા ગાળાના નિવારણ અને ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ૫.૯૫ કિ.મી આશરે છ કિમીના વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલમાં પૂર્ણતાના આરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોત્રી સેવાસી સિંધરોટ રોડ વડોદરા અને આણંદને જોડતો રાજ્ય ધોરી માર્ગ કક્ષાનો અગત્યનો માર્ગ છે. આ માર્ગ પર રસ્તાની કુલ ૭.૪ કિમી લંબાઈ પૈકી ૫.૯૫ કિમી લંબાઈમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરવાના (વોટર લોગીંગ) કારણે ડામરની સપાટીને ચોમાસામાં અવારનવાર નુકસાન થતું હતું.
ચોમાસામા પાણી ભરાવાથી વારંવાર સપાટીને નુકસાન ન થાય તે માટે તથા રાહદારીઓને પડતી અગવડતા દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૫.૯૫ કિમી લંબાઈના પટ્ટા પર વ્હાઈટ ટોપિંગ ટેકનોલોજીથી સી.સી.રોડ બનાવવાનું નક્કી કરાવમાં આવ્યું હતું.
કેવી રીતે બને છે વ્હાઈટ ટોપિંગ ટેકનોલોજીની મદદથી રોડ અને શું છે તેના ફાયદા?
– વ્હાઈટ ટોપિંગ ટેકનીક હયાત ડામરની સપાટી પર અપનાવવામાં આવે છે.
– આ ટેકનીક આર.સી.સી. રોડની તુલનાએ આર્થિક રીતે ફાયદાકારક રહે છે.
– ડામરના ઉપયોગથી કરવામાં આવતા રિસરફેસિંગ કરતા તેને વધુ લાભદાયી માનવામાં આવે છે.
– વ્હાઈટ ટોપિંગ રસ્તામાં હયાત ડામર સપાટી ઉપર કોંક્રીટના થરની કામગીરી કરવામાં આવે છે.
– સામાન્ય રીતે ગુણવત્તાયુક્ત અને સઘન દેખરેખ સાથે થયેલ ડામર રોડમાં પણ ડામર અને પાણીના ભેગા થવાથી ડામર સપાટી ખરાબ થતી હોય છે અને રસ્તા પર પેચ/ખાડા પડે છે. જેની તુલનામાં વ્હાઈટ ટોપિંગ તકનીકથી કરેલ કામગીરીમાં પેચની સમસ્યા સર્જાવાની શક્યતા અત્યંત નહિવત છે.
– સામાન્ય રીતે વ્હાઈટ ટોપિંગ રોડનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ગોત્રી સેવાસી સિંધરોટ રોડ પરના ૫.૯૫ કિ.મી લંબાઇના માર્ગ પર ચાલુ ચોમાસામાં કોઇ પણ પ્રકારના પેચ પડેલ નથી અને રસ્તો બિલકુલ વાહનવ્યવહાર લાયક છે. વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી તૈયાર કરાયેલા આ રોડ પર ચોમાસા દરમિયાન લોકોને આવગમનમાં ઘણી સરળતા રહે છે.